ભાવનગર : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમ વખત ભાવનગર શહેરમાં આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ ગોહિલની સ્વાગત બાઈક રેલી બાદમાં કાર્યકરો સાથે સંમેલન યોજાયું હતું. આ તકે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો પણ સંમેલનમાં જોડાયા હતા. ત્યારે ETV BHARAT દ્વારા આવનારી લોકસભાની ચૂંટણી અને ગુજરાતમાં કોંગ્રેસના રાજકારણ અંગે શક્તિસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જાણો શક્તિસિંહ ગોહિલ શું કહ્યું...
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે થયેલો સંવાદ :
પ્રશ્ન - કોંગ્રેસનું સ્ટેન્ડ ગુજરાતમાં જોઈએ તો બાજુના રાજ્યના રાજસ્થાનમાં 15 વર્ષે સરકાર બદલાય છે, ત્યારે ગુજરાતમાં શું સ્ટ્રેટેજી રહેશે ? શું કહો છો આપ?
જવાબ - સરકાર બનાવવાનું ભાજપ કે કોંગ્રેસના હાથમાં નહીં લોકોના હાથમાં હોય છે. લોકતંત્રમાં લોકો વચ્ચે સકારાત્મકતા સાથે જવાના છીએ, સત્તા પડાવી લેવા માટે નહીં. મને પૂરો વિશ્વાસ છે ગુજરાતીઓના આશીર્વાદ મળશે. આજે અનેક મુશ્કેલીઓ છે, લોકોએ મોટી અપેક્ષા સાથે વર્ષો સુધી ભાજપને તક આપ્યા પછી પણ પેપર ફૂટે, બ્રિજ ટુટે, મોંઘવારી, લોકો પરેશાન, મુઠ્ઠીભર લોકો માલામાલ થયા, ગુજરાતીની તકલીફમાં વધારો રોજ થાય, મોંઘુ શિક્ષણ, આરોગ્યની તકલીફ, કથળેલા રસ્તા, કથળેલું અર્થતંત્ર, રોજગારી નહીં, ફિક્સ પગાર, જ્ઞાન સહાયકના નામે શોષણ થતા હોય ત્યારે ચોક્કસ ગુજરાતીઓ એક વખત અમને સેવા કરવાની તક આપશે.
પ્રશ્ન - મહિલા અનામત લાવવામાં આવ્યું છે તો કોંગ્રેસનું સ્ટેન્ડ શું હશે ? કોંગ્રેસ જાતિ જનગણનાની પણ વાત કરે છે. આ મુદ્દાઓ પર ગુજરાતમાં કઈ રીતે કોંગ્રેસ સેટ કરશે ?
જવાબ - મુખ્ય સ્થાનિક મુદ્દા મુદ્દો છે, તેના ઉપર અમે ફોકસ કરવાના છીએ. માત્ર ટીકા કે નકારાત્મકતા નહીં અમે સકારાત્મકતા સાથે અમારો એજન્ડા લઈને જવાના છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલા અનામત પ્રથમ રાજીવ ગાંધી ત્યારે લાવેલા અને ભારતીય જનતા પાર્ટીએ ત્યારે વિરોધ કરેલો. અમે અત્યારે સહકાર આપ્યો છે પણ સાથે કહ્યું છે કે, મોડુ શા માટે કરો છો ? જે કાયદો આવ્યો તેનું અમલીકરણ થવાનું નથી કારણ કે, પહેલા જનગણના થાય, પછી ડીલિમિટેશન થાય, એ પછી અનામત આવે એટલે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે તેવું થાય. તેમ છતાં તે બિલને અમે ટેકો આપ્યો છે. પરંતુ અમારી માંગ એટલી છે કે ખરેખર મહિલાને સન્માન આપવું હોય તો અનામત જલ્દી આપો.
રાષ્ટ્રનો કોઈ નેતા એકતા માટે આટલા કિલોમીટર ચાલ્યો નથી. તમે લોકો વચ્ચે જાવ, પરંતુ પ્રતિશોધ માટે નહીં જાણકારી આપવા જાવ. -- શક્તિસિંહ ગોહિલ (ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ)
ભાવનગરમાં "શક્તિ" પ્રદર્શન : ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે ભાવનગરની મુલાકાતે છે. ત્યારે શક્તિસિંહ ગોહિલ અને મનિષ દોશી સહિતના કોંગ્રેસ નેતાનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શહેર કોંગ્રેસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ સ્થળોએ બાઈક રેલી પહોંચતા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈક રેલી અને સ્વાગત કાર્યક્રમ બાદ શહેરના મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે સંમેલન શરુ થયું હતું.
આપના કાર્યકર કોંગ્રેસમાં જોડાયા : ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ સંમેલનમાં અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને મનીષ દોશી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આમ આદમી પાર્ટીના મહિલા સહિતના કેટલાક કાર્યકરો શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. આ તકે ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, રાષ્ટ્રનો કોઈ નેતા એકતા માટે આટલા કિલોમીટર ચાલ્યો નથી. તમે લોકો વચ્ચે જાવ, પરંતુ પ્રતિશોધ માટે નહીં જાણકારી આપવા જાવ.