કચ્છ : આગામી 28 ફેબ્રુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. જેમને આવકારવા સાથે તેમના પ્રવાસ દરમિયાન કોઈ ક્ષતિ ન રહે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28 ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે, તેઓ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની સાથોસાથ ધોરડો, ધોળાવીરા તેમજ સ્મૃતિવનની પણ મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કચ્છ પ્રવાસ : કચ્છ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌપ્રથમ કચ્છ એરપોર્ટ પર આવશે, ત્યારબાદ આગળના પ્રવાસ માટે નીકળશે. જોકે હાલમાં એરપોર્ટ પર રિનોવેશનનું કામ પ્રગતિમાં છે જેમાં મુખ્ય વેઇટિંગ રૂમ મોટો કરવાનું કામ ચાલતું હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ જ છે, જેથી આગમન સમયે કોઈ અડચણ આવશે નહીં.
સફેદ રણ, ધોળાવીરાની લેશે મુલાકાત : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌપ્રથમ ધોરડો ગામની મુલાકાત લેશે અને ત્યારબાદ સફેદ રણમાં ટેન્ટ સીટીમાં રાત્રિ રોકાણ કરશે. તેના માટે સફેદ રણની ટેન્ટ સીટીમાં સુવિધાસભર VVIP ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 1લી માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ 5000 વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના નગર અને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, તેવા ધોળાવીરાની મુલાકાત લઈને તેના ઇતિહાસથી વાકેફ થશે.
સ્મૃતિવન ખાતે ભૂકંપ આધારિત મ્યુઝિયમ નિહાળશે : કચ્છના સફેદ રણથી ધોળાવીરા જતા સફેદ રણને ચીરીને નીકળતો માર્ગ, જે છેલ્લા 2 વર્ષમાં રોડ ટુ હેવનના નામે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તેને પણ રાષ્ટ્રપતિ નિહાળશે. આ ઉપરાંત તેઓ વર્ષ 2001 ના ગોઝારા ભૂકંપમાં દિવંગત પામેલા લોકોની યાદમાં ભુજના ભુજીયા ડુંગરની તળિયામાં બનાવવામાં આવેલ સ્મૃતિવન સ્થિત ભૂકંપ આધારિત મ્યુઝિયમ નિહાળી કચ્છમાં ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિથી પણ વાકેફ થશે.
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં તૈયારી શરુ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કચ્છ પ્રવાસને ધ્યાનમાં રાખીને કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા આયોજન સાથે સતત બેઠકો યોજાઈ રહી છે. તેમજ જે જે પ્રવાસન સ્થળે રાષ્ટ્રપતિ જવાના છે, તેનું સ્થળ નિરીક્ષણ કરવાની સાથે સાથે કોઈ ચૂક ન થાય તે માટે પણ વિવિધ સૂચનો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના રોકાણને લઈને ભુજના સર્કિટ હાઉસ ખાતે પણ તૈયારી આદરી દેવાઈ છે અને કલરકામ, મરમ્મત તેમજ સાફ-સફાઈ અને નવા છોડનું વાવેતર, દરવાજા, એસી રિપેરિંગ સહિતના કાર્ય ચાલી રહ્યું છે. તમામ આયોજન કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્રના અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યા છે.