વલસાડ: કુખ્યાત ડોન છોટા રાજનનો જમણો હાથ મનાતા પ્રકાશ પાંડે ઉર્ફે પી. પી પાંડે ઉર્ફે ગેંગસ્ટર બંટી પાંડે સામે વાપીમાં ફેબ્રુઆરી 2004માં ચકચારી અપહરણ અને હત્યાના કેસમાં વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી ગેંગસ્ટરની સામે 40થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
વાપી પોલીસે મજબૂત પુરાવા એકત્ર કર્યા: વાપી પોલીસે ચકચારી અપહરણ અને હત્યાના કેસમાં કડક કાર્યવાહી કરી છે અને આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્રિત કર્યા છે. કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, કારણ કે, બંટી પાંડે અત્યંત ખતરનાક ગુનેગાર માનવામાં આવે છે. આ કેસની આગામી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે. જ્યાં વધુ પુરાવા અને સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવશે. ન્યાયતંત્ર આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે.
શું હતી સમગ્ર ઘટના: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આખી ઘટના વાપી શહેરમાં ફેબ્રુઆરી 2004માં એક ચકચારભર્યા અપહરણ અને હત્યાનો બનાવ બન્યો હતો. જે ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. ઘટના મુજબ સ્થાનિક સિમેન્ટ એજન્સીના માલિક અને પરિવહન ઉદ્યોગપતિ નશીર અહમદ કાદિર ખાનનો પુત્ર 24 વર્ષીય અબુજર કાદિર ખાનનું તેમની દુકાનેથી બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું.
આરોપીઓએ કર્યું કંઈક આવું?: અપહરણકર્તાઓએ અબુજરને મહારાષ્ટ્રના ઢોલવાડ ગામે લઈ જઈ બંધક બનાવી રાખ્યો હતો. આરોપીઓએ તેના પરિવાર પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગી હતી અને આ માંગણીને સમર્થન આપવા અબુજરની અવાજનું રેકોર્ડિંગ પણ કર્યુ હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે, અપહરણના ફક્ત 48 કલાકની અંદર જ આરોપીઓએ બંધક અબુજરની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓએ મૃતદેહને રૂંવાડા ઊભા થઈ જાય તેવી રીતે છુપાવ્યો હતો. તેમણે અબુજરના ધડથી માથું અલગ કરી નાખ્યું હતું. માથાને કપડામાં લપેટીને જમીનમાં દફનાવી દીધું હતું, જ્યારે શરીરના બાકીના ભાગને નજીકની નદીમાં ફેંકી દીધો હતો.
ગેંગસ્ટર બંટી પાડેની સંડોવણી: ઘટનાનો પર્દાફાશ 8 મહિના બાદ ઓક્ટોબર 2004માં થયો હતો. દિલ્હી પોલીસે અન્ય એક અપહરણ કેસમાં સંજય સિંહ અને તેના 5 સાથીદારોની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમણે વાપી હત્યાકાંડમાં સંડોવણી હોવાનું કબૂલ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપીઓ નેપાળ સ્થિત કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની ગેંગના સાગરિતો હતા. બંટી પાંડે અગાઉ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો નજીકનો સાથી રહી ચૂક્યો છે. આરોપીઓએ બતાવેલી જગ્યાએથી પોલીસે અબુજરના અવશેષોને શોધ્યા હતા, ત્યારબાદ તેના પરિવારના લોકોએ તેની ઓળખાણ કરી હતી. જે કેસમાં વાપી ટાઉન પોલીસે વર્ષ 2004માં બંટી પાંડે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે સંદર્ભે આરોપી ગેંગસ્ટર બંટી પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરાયો હતો.
આ પણ વાંચો: