જુનાગઢ: પાછલા 2 વર્ષ કરતા પણ વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતના 22 જેટલા માછીમારો આજે વતન પરત ફર્યા છે. ત્યારે વાઘા બોર્ડર પરથી ભારતના અધિકારીઓને સુપ્રત કર્યા બાદ ફિશરીઝ વિભાગે તમામ 22 માછીમારો ને વેરાવળ બંદરે લાવીને તેમના પરિવારને સોપી દીધા છે.
પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો પરત ફર્યા: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના માછીમારો પૈકી 22 માછીમારો આજે વતન પહોંચતા અધિકારીઓએ તમામ માછીમારોને તેમના પરિવારને સોંપી દીધા હતા. 20 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સરકાર દ્વારા ભારતના બિમાર 22 માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ તમામ 22 માછીમારોને વાઘા બોર્ડરે લાવીને બંને દેશોના અધિકારીઓએ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને ભારત સરકારના અધિકારીઓને સોંપી દીધા હતા. અહીંથી 22 માછીમારોને ફિશરીઝ વિભાગના અધિકારીઓએ પહેલા ચંદીગઢ ત્યાંથી વડોદરા થઈને રોડ માર્ગે વેરાવળ ફિશરીઝ વિભાગની કચેરીએ લાવવામાં આવ્યા હતા. વહેલી સવારે 4:00 વાગ્યે તમામ માછીમારો આવી પહોંચતા તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

તમામ માછીમારો બીમાર હાલતમાં છે: ફિશરીઝ વિભાગના અધિકારી નયનભાઈ મકવાણાએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકારે જે માછીમારોને મુક્ત કર્યા છે. તે તમામ બીમાર છે. માછીમારો પૈકી 18 ગુજરાતના દિવના 3 અને ઉત્તર પ્રદેશનો 1 માછીમાર હોવાની વિગતો પણ આપી હતી. ગુજરાતના જે 18 માછીમારો છે, તે પૈકી સોમનાથ જિલ્લાના 14, દ્વારકાના ઓખા વિસ્તારના 3 અને રાજકોટ એક માછીમાર હોવાનું સામે આવ્યું છે.
માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ: વહેલી સવારે 4:00 વાગ્યે તમામ માછીમારોને તેમના પરિવારજનોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને સોંપી દેવામાં આવ્યા હતા. મુક્ત થયેલા તમામ માછીમારો કેટલાક વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા અને તમામ બીમાર હોવાને કારણે પાકિસ્તાન સરકારે તેમને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો .ત્યારે ઘણા વર્ષો પછી પોતાના પરિવારજનોને મળતા ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો: