ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે આ વર્ષથી ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા પ્રસિદ્ધ તીર્થ સ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં ઉજવાનારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
પ્રથમ સોમનાથ મહોત્સવનો પ્રારંભ : રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રસિદ્ધ તીર્થસ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં કલા દ્વારા આરાધનાની થીમ સાથે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થયો. CM પટેલે આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને શ્રદ્ધા-આસ્થા, કલા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો.

ત્રિવેણી સંગમ ખાતે 108 દીવડાની સંધ્યા આરતી : સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવનારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના આ વર્ષમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલા સોમનાથ મહોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુભગ સંયોગ વર્ણવ્યો હતો. વધુમાં સોમનાથ તીર્થસ્થાનના ઐતિહાસિક મહત્વની વાત કરતા CM પટેલે કહ્યું કે, અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીના ત્રિવેણી સંગમનું પણ મહાત્મ્ય છે. સોમનાથ મહોત્સવ દરમિયાન આ ત્રિવેણી સંગમ ખાતે 108 દીવડાની સંધ્યા આરતી કરવામાં આવશે.
"સોમનાથ સંકલ્પ અને સંસ્કૃતિ સાથે ભારતીય અસ્મિતાનું પણ અજોડ પ્રતિક" : CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સોમનાથ મહોત્સવનું આ સ્થળ માત્ર ધર્મસ્થાનક જ નહીં પરંતુ સંકલ્પ અને સંસ્કૃતિના પ્રતીક સાથો સાથ ભારતીય અસ્મિતાનું પણ અજોડ પ્રતિક છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું જીવંત ઉદાહરણ પણ છે. આ સંદર્ભમાં CM પટેલે સોમનાથ-તમિલ સંગમ અને કાશી-તમિલ સંગમનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

“સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે”નું નિર્માણ : સોમનાથ સહિતના યાત્રાધામ-તીર્થધામોના સર્વગ્રાહી વિકાસ માટેની નેમ દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આગામી 2025 વર્ષ દરમિયાન અહીં આવનાર યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આયોજન હાથ ધરાયા છે. રાજ્ય સરકારે સોમનાથ આવનાર પ્રવાસીઓ, યાત્રિકોને સરળ કનેક્ટિવિટી માટે સોમનાથ, દ્વારકા અને પોરબંદરને જોડતા “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે”ના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં આયોજન કર્યું છે.
સંગમ આરતીમાં સહભાગી થયા CM પટેલ : આ મહોત્સવની શરૂઆત કરાવતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિવેણી સંગમ ખાતે સંગમ આરતીમાં પણ સહભાગી થયા હતા. આ તકે તેઓની સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા સહિતના નેતાઓ અને અધિકારીઓ સાથે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, પ્રવાસીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.