Republic Day 2024 : શક્તિ સ્વરૂપા નારીનું જીવંત ઉદાહરણ, મહિલા પોલીસકર્મીઓના બ્લાઇન્ડ વેપન ડેમો ડ્રીલે પ્રેક્ષકોને કર્યા અચંબીત
🎬 Watch Now: Feature Video
સુરત : નારીને શક્તિ સ્વરૂપા શા માટે કહેવામાં આવે છે તેની સાબિતી સુરત પોલીસ વિભાગની મહિલાકર્મીઓએ આપી છે. સુરત પોલીસ મહિલા જવાનોએ દિલધડક બ્લાઇન્ડ વેપન ડેમો ડ્રીલ કરી ઉપસ્થિત સૌ કોઈને અચંબીત કરી દીધા હતા.
બ્લાઇન્ડ વેપન ડેમો ડ્રીલ : પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમ સુરત પોલીસ દ્વારા વિવિધ પરેડ કરવામાં આવી હતી. જેમાં મહિલા પોલીસકર્મીઓએ બ્લાઈન્ડ વેપન ડેમો ડ્રીલ કરી હતી. જે અંતર્ગત AK 47 અને ઈન્સાસ રાયફલ જેવા ઘાતક હથિયારોને આંખો પર પટ્ટી બાંધીને લોડ અને અનલોડ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં મહિલા જવાનોએ હથિયારોને ગણતરીની મિનિટોમાં જ ડિસએસેમ્બલ કરી ફરી તેને એસેમ્બલ પણ કર્યા હતા.
પ્રેક્ષકો થયા અચંબીત : આ ડ્રીલના બીજા ભાગમાં તેમના હથિયારો બદલી દેવામાં આવ્યા હતા. પરંતુ સૌને આશ્ચર્યચકીત કરતા મહિલા જવાનોએ ફરી એકવાર એ જ ઝડપથી હથિયાર ડિસએસેમ્બલ કરી ફરી તેને એસેમ્બલ પણ કર્યા હતા. મહિલાકર્મીઓએ આંખો પર પટ્ટી બાંધીને થોડી જ મિનિટોમાં આખી પ્રક્રિયા પૂરી કરી હતી. પોલીસકર્મીઓ કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કે અંધારી સ્થિતિમાં પણ સરળતાથી હથિયાર લોડિંગ અને અનલોડિંગની કરી શકે તે માટે આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.