અમદાવાદ: રંગોનો તહેવાર હોળી દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે. હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે, અને બીજા દિવસે રંગોવાળી હોળી એટલે કે ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર હિન્દુ ધર્મના ખાસ તહેવારમાંથી એક છે. આ વર્ષે હોલિકા દહન 13 માર્ચ અને ધૂળેટી 14 માર્ચ 2025 ના રોજ આવશે.
હોળીના તહેવાર માટે લોકો એક મહિના અગાઉથી તૈયારી શરૂ કરી દે છે. અમદાવાદના બજારોમાં પણ હોળી માટે રંગો અને પિચકારીઓ વેચવાની શરૂઆત થઈ જાય છે. તો અમદાવાદના પ્રખ્યાત કાલુપુર સીઝનેબલ માર્કેટમાં કયા કયા પ્રકારની પિચકારીઓ વેચવામાં આવી રહી છે? અને આ વખતે હોળીના રંગોમાં શું ખાસ છે? જુઓ આ અહેવાલ.
અમદાવાદ શહેરના સીઝનેબલ ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓએ હોળી ધુળેટીના તહેવારની ઉજવણી વપરાતી સામગ્રી મોટા પ્રમાણમાં કાલુપુર બજારમાં મૂકી દીધી છે. જેમાં બ્રાન્ડેડ હર્બલ ગુલાલ, પિચકારીઓ, ફુગ્ગા, ટ્યુબ, કલર જેવી અનેક અવનવી વસ્તુઓનું ભરપૂર વેચાણ થઈ રહ્યું છે.

રાજસ્થાનથી હોળીના ગુલાલ વેચવા માટે આવેલ સંજયભાઈએ જણાવ્યું કે, અમે દર વર્ષે હોળીના કલર વેચવા માટે કાલુપુર દરવાજે આવીએ છીએ. 25 વર્ષથી અમે રાજસ્થાનથી 20 લોકો ઘરના બનાવેલા મારવાડી કલર વેચવા માટે આ બજારમાં આવીએ છીએ. દિવસભરમાં અમે એક કિલો પાછળ 10-20 રૂપિયા કમાવીએ છીએ. અમે લોકો હોળી માટે સ્પેશિયલ મારવાડી કલર બનાવીએ છીએ.

કલરના વેપારી સલીમભાઈએ જણાવ્યું કે, દર વર્ષે હોળીના સમયમાં અમે એક મહિના પહેલાથી કલર વેચવાનું શરૂ કરીએ છીએ. હોળી આવવાની તૈયારી છે એટલે આ બજારમાં લોકો કલર અને પિચકારીઓ લેવા માટે આવી રહ્યા છે. હર્બલ અને ગુલાલના બધા કલર અમારી પાસે છે. કોઈની સ્કીનને નુકસાન નહીં કરે એવા પ્રકારના કલર અમે વેચીએ છીએ. આખા ગુજરાતથી અહીં લોકો હોળીના કલર લેવા માટે આવે છે.

તહેવારની વિશેષતા વિશે જણાવતા તેમણે કહ્યું કે, હોળી કોમી એકતા અને હર્ષ ઉલ્લાસનો તહેવાર છે. લોકો ભાઈચારાથી હોળીનો તહેવાર ઉજવે છે. હર્બલ કલરની કિંમત 60 થી 70 રૂપિયા કિલો છે. સાદો કલર 10 થી 20 રૂપિયા કિલો છે. જ્યારે 10 કિલો કલર 160 રૂપિયામાં આવે છે. સાદા કલરની 10 કિલોગ્રામ સ્ટાર્ટિંગ કિંમત 120 રૂપિયામાં છે.

હોળીના કલર સાથે સાથે આ બજારમાં દરેક પ્રકારની નાની-મોટી પિચકારી પણ વેચવામાં આવી રહી છે. જેને લેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પિચકારીના વેપારી હમઝાભાઈએ આ અંગે જણાવ્યું કે, કાલુપુર બજારમાં સિઝનેબલ દુકાન છે. અત્યારે અમે પિચકારી વેચવાનું શરૂ કર્યું છે. સાદા પંપ, પ્રેશર પંપ, ફુગ્ગા ટ્યુબ ટંકી જેવી અનેક પિચકારીઓ છે. જેમાં ખાસ કરીને નવી વેરાઈટીમાં હથોડી, તલવાર, ત્રિશુલ, કુલ્હાડી આ વખતે નવી આઈટમ આવી છે. 120 થી લઈને 200 રૂપિયા સુધીની હોલસેલમાં પિચકારી વેચવામાં આવે છે.

આધુનિક પિચકારીની વાત કરતાં તેમણે જણાવ્યું કે, આના સિવાય ઇલેક્ટ્રિકથી ચાર્જ કરી પાણી ભરી છાટી શકાય એવી પિચકારીઓ પણ છે. 30 રૂપિયાથી 1,500 સુધીની અવનવી ડિઝાઇન સાથેની પીચકારીઓ મનોરંજન માટે બજારમાં ઉપલબ્ધ છે. અહીંયા છોટા ભીમ, સુપરમેન, સ્પાઇડરમેન, નવા અને પ્રખ્યાત કાર્ટૂન, ફેમસ ફિલ્મી સ્ટાર, ક્રિકેટરો સાથે અનેક ડિઝાઇનમાં પિચકારીઓ મળે છે.

બજારમાં આવેલા ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દૂર દૂરથી આવીને હોળીના કલર અને પિચકારી ખરીદી રહ્યા છે. એક ગ્રાહકે જણાવ્યું કે, હોળી માટે બેસ્ટ કલર કાલુપુરમાં મળે છે. અહીં સસ્તામાં પિચકારીઓ મળી જાય છે. એટલે અમે અમારા ગામની દુકાનોમાં લઈ જઈએ છીએ અને ત્યાં વેચીએ છીએ. ઉપરાંત ઘરમાં પણ હોળીના દિવસે આ કલરનો ઉપયોગ કરીને હોળીનો તહેવાર ઉજવીએ છીએ.
આ પણ વાંચો: