રાજકોટ પોલીસે ભુલથી દારૂની રેડની જગ્યા યુનિવર્સિટી કેમ્પસમાં બતાવી દેતા હોબાળો - Rajkot Police mistake - RAJKOT POLICE MISTAKE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/640-480-22476490-thumbnail-16x9-x.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Sep 17, 2024, 10:40 PM IST
રાજકોટઃ રાજકોટ શહેર પોલીસની એક ભૂલના કારણે શિક્ષણનું ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બદનામી વહોરવાનો વારો આવ્યો છે. રાજકોટ પ્રિવેનશન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના સમયે દરોડો પાડી રૈયા ધાર વિસ્તારમાંથી અંકિત ઉર્ફે ભોલો સોલંકી નામના વ્યક્તિને દેશી દારૂની ભઠ્ઠી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રિવેનશન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 17 હજારથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત અંકિત ઉર્ફે ભોલો સોલંકી વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ બનાવ સ્થળ રૈયા ધારની જગ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદર લખવામાં આવ્યું હતું. જેથી હોબાળો થયો હતો.
રાજકોટ શહેર પોલીસને પોતાની ભૂલ સમજાઈ હતી. ત્યારે સમગ્ર મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, કોમ્પ્યુટર ઓપરેટરની ભૂલના કારણે એફઆઇઆરમાં બનાવ સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ લખવામાં આવ્યું છે. પીસીબી દ્વારા દરોડો રૈયાધાર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. બનાવ સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ઘણું દૂર આવેલું છે. સમગ્ર મામલે એફઆઇઆર ઓનલાઈન થઈ ચૂકી હોવાથી તેમાં કોઈપણ જાતના સુધારા વધારા કરવા શક્ય નથી. જેથી બનાવ સ્થળ બાબતે સુધારો કરવા માટે કોર્ટમાં ફરિયાદ સંદર્ભે રિપોર્ટ કરવામાં આવશે. તેમજ સમગ્ર મામલાની તપાસ એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈને સોંપવામાં આવી છે. એસીપીની ખાતાકીય તપાસમાં જે કોઈપણ કસૂરવાર હશે તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.