સુરત: રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 44મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી શરૂ કરી મગદલ્લા પોર્ટ (21 કિ.મી.) સુધી યોજાઈ હતી. હજીરાથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી આયોજિત સઢવાળી હોડીઓ વચ્ચેની આ હરિફાઈમાં 10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને ધારાસભ્ય મનુભાઈ પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટિલ અને મહાનુભાવોના હસ્તે ઈનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
3 ક્રમના વિજેતાઓને ઈનામ એનાયત: પૂજ્ય મોટા પ્રેરિત હરિઓમ આશ્રમ (સુરત-નડીયાદ) તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલી ગિજુભાઈ રામુભાઈ પટેલની હોડી ‘હેતલ પ્રસાદ’ને રૂ. 51,000 બીજા ક્રમે નરેશ ધનસુખભાઈ પટેલની હોડી ‘વિશ્વજ્યોતિ’ને રૂ. 35,000 તેમજ ત્રીજા સ્થાન પર કલ્પેશ ઈશ્વરભાઈ પટેલની ‘જળતાપી’ હોડીને રૂ. 25,000 અર્પણ કરાયા હતા. જ્યારે અન્ય 7 સ્પર્ધકોને આશ્વાસન ઈનામરૂપે પ્રત્યેકને 15,000 પુરસ્કાર અપાયા હતા. આ વેળાએ ‘યુથ ફોર ગુજરાત’ સંસ્થા તરફથી પણ પ્રથમ એકથી ત્રણ ક્રમના વિજેતાઓને અનુક્રમે રૂ. 15,000, રૂ. 10,000 અને રૂ. 5000 એનાયત કરાયા હતા.
ધારાસભ્યે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા: અનોખી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડયા હતા અને દરિયામાં હવાના જોરે પૂરપાટ વહેતી હોડીઓના નાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો. ધારાસભ્ય મનુભાઈ પટેલે વિજેતા ખલાસીઓ અભિનંદન આપતા કહ્યું કે, સાગરખેડૂ કોમ સાહસિક અને ખડતલ હોય છે. ખલાસી યુવકોને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે, તેમનો સાહસિક વારસો તેમજ ગૈારવ જળવાય રહે તે માટે પ્રતિવર્ષ આ સ્પર્ધા યોજવામાં આવે છે, એમ જણાવીને સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેનાર ખલાસીઓના જોમ-જુસ્સાને બિરદાવ્યા હતા.


મહાનુભાવો રહ્યા ઉપસ્થિત: યુથ ફોર ગુજરાત ફાઉન્ડેશનના અધ્યક્ષ જીજ્ઞેશ પાટિલે જણાવ્યું કે, સાગરખેડૂઓ તોફાન સામે, વાવાઝાડા સામે, વંટોળનો મુકાબલો કરી દરિયો ખેડે છે. તેમના જીવનમાંથી નાગરિકોએ આ પ્રતિકાર શક્તિને બોધપાઠ સ્વરૂપે શીખવા જેવી છે. નાવિક યુવાનો માટે જરૂરી તમામ મદદ કરવા યુથ ફોર ગુજરાત સંસ્થા તત્પર છે, એમ જણાવી વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મામલતદાર આશિષ નાયક, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયા, જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ, હરિઓમ આશ્રમ-સુરતના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ ગોટી, બિપીન સહિત ખલાસીઓ, સ્પર્ધકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: