પાટણ: જિલ્લામાં ગત રોજ 7 સપ્ટેમ્બરના રોજ એક લૂંટની ઘટના સામે આવી છે. રાજસ્થાન પરિવહન નિગમની અમદાવાદ-આબુ રોડ દેસુરી રૂટની બસમાં સોનાના દાગીના સાથે મુસાફરી કરી રહેલ આર.સી. આંગડિયા પેઢી અમદાવાદના કર્મચારીને છાપી હાઈવે પરની શ્રીરામ હોટલ પાસેથી શુક્રવારના રોજ સવારના સમયે 2 અજાણ્યા શખ્સોએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી મોટરસાઇકલ ઉપર બેસી નાસી ગયા હતા.
પોલીસ અધિકારીઓએ આરોપીઓને પકડવા આદેશ: ભોગ બનનારા આર. સી આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મુળસિંહ ચૌહાણે છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ અને પાટણ પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલે આ લૂંટના ગુનાને ડીટેક્ટ કરીને લૂંટમાં ગયેલો મુદ્દામાલ રિક્વર કરવાની સૂચના કરવામાં આવ્યું છે. પાટણ LCB પોલીસના ઇન્ચાર્જ PI વી.આર ચૌધરીનાં સીધા માર્ગદર્શન હેઠળ ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા.
આરોપીએ પોતાના મિત્રો સાથે લૂંટ કરી: પાટણના LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. કે. પટેલ અને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇના ચોક્કસ બાતમી મળી હતી કે, શ્રીરામ હોટલ છાપી ખાતે બનેલા લૂંટની બનાવને અંજામ આપનારા પાટણ જિલ્લાના રુવાવી ગામના રહેવાસી મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદેસિંહ વાઘેલાએ પોતાના મિત્રો સાથે મળીને લૂંટનો ગુનો આચર્યો હતો. મળેલ બાતમીના આધારે મિતેશસિંહ વાઘેલા, જગમાલજી પરમાર,કૌશિકજી રાઠોડ આરોપીઓને પકડીને ગુનાને લગતી પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો.
પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા: પકડાયેલા આરોપીઓ માંથી મિતેશસિંહે જણાવ્યું કે, તે અગાઉ આર. સી આંગડીયા પેઢીમાં નોકરી કરી હતી અને આંગડીયું લઇ જતા માણસો અને બસની રુટો તેને ખબર હોવાથી અવારનવાર રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોતાના પ્લાન મુજબ આરોપી મિતેશસિંહે શુક્રવારના રોજ સવારે પોતાના મિત્ર કૌશિકજી અને જગમાલજી સાથે પોતાની ઓળખ છુપાવવા માટે મોઢે માસ્ક અને હેલ્મેટ પહેરીને નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યા હતા.
સમગ્ર ગુનાની કબૂલાત પોલીસ સમક્ષ કરી: છાપી ખાતે આવેલી શ્રીરામ હોટલ પર બસ પેસેન્જરો ચા-નાસ્તો કરવા રોકાયા હતા ત્યારે આ 3 આરોપીઓએ મળીને પલ્સર બાઇક ઉપર આર.સી આંગડીયા પેઢીના કર્મચારી રામસિંહ મુળસિંહ ચૌહાણને પિસ્તોલ બતાવીને સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. ત્યારબાદ પલ્સર બાઇક લઇ લૂણપુર ગામે ગયા હતા અને ત્યાથી બાઇક ખેતરમાં રાખીને ઇકો ગાડીમાં બેસીને પોતાના ઘરે જતા રહ્યાં હતાં. તે સમગ્ર ગુનાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો: પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના ભરેલા પેકેટ નંગ-29 આશરે રુ, 1.39 કરોડની કિંમતના દાગીના અને નંબર પ્લેટ વગરનું પલ્સર બાઇક રુ. 50.000, મોબાઇલ 3 રુ.30.000, લાઇટર ગન સહિતનો કુલ 1.39.80.000 રુપિયાનો મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓ પૈકી કૌશિકજી રાઠોડ સામે ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ આરોપીએ પણ શિહોર બસ સ્ટેન્ડ આગળ આર. મહેન્દ્ર પેઢીના કર્મચારી પાસેથી 1.10 કરોડની લૂંટ કરી હતી. હવે પોલીસે આ 3 આરોપીને ઝડપીને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: