ગુજરાતમાં અવારનવાર બનતી માનવસર્જિત દુર્ઘટનાઓ સામે સરકારે કડક કાર્યવાહી કરે-અમિત ચાવડા - Rajkot Fire Accident
Published : May 25, 2024, 10:56 PM IST
|Updated : May 25, 2024, 11:06 PM IST
ગાંધીનગર: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 26 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ગેમ ઝોન દુર્ઘટના પર રાજકીય પ્રતિક્રિયાઓ આવી રહી છે. સમગ્ર મુદ્દે વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિધાનસભા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, રાજકોટમાં ગેમિંગ ઝોનમાં ભયાનક આગ લાગતા 22 થી વધુ બાળકોના મોતના સમાચાર મળ્યા છે. તમામ દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું. પીડિત પરિવારો પર અણધારી આફત આવી છે. ન સહન કરી શકાય તેવું દુઃખ આવ્યું છે. તે સહન કરવાની તમામ પરિવારને પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાનો હોડી કાંડ હોય, મોરબીની મચ્છુ પુલ દુર્ઘટના હોય, રાજકોટની ગેમિંગ ઝોન આજની ઘટના હોય વારંવાર આવી ઘટનાઓ બને છે. માસુમ લોકોના જીવ જાય છે. ત્યાર પછી સરકાર તપાસના આદેશ આપે છે. રાજકોટમાં પણ બહાર આવ્યું કે ગેમિંગ ઝોન સંચાલકો પાસે ફાયરની એનઓસી ન હતી. મહા નગર પાલિકા દ્વારા તેનું મોનિટરિંગ ન થતું હોય, ચકાસણી ન થતી હોય, ભ્રષ્ટાચારને કારણે થોડા લોકોને લાભ કરાવવાની નીતિને કારણે આવા બનાવો ગુજરાતમાં વારંવાર બને છે. અનેક માણસ જીવ ગયા છે. દુઃખ સાથે સરકારને કહેવું છે કે આવી ફરીથી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ. જે પણ જવાબદારો પર તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આખા ગુજરાતમાં જ્યાં પણ આવા વધારે માત્રામાં લોકો આવતા હોય મેળાવડા થતા હોય ગેમિંગ ઝોન હોય તેવી તમામ જગ્યાએ સુરક્ષાના નિયમોનું કડક પડે પાલન કરવા માટે સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર પર લઈ રહ્યા છે. તે લોકોને સારી સારવાર મારે અને ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.