Patan Crime : પાટણમાં ગેરકાયદેસર હથિયારની લે વેચનો પર્દાફાશ, પાટણ પોલીસે બે શખ્સને દબોચ્યા - Patan Crime
Published : Mar 20, 2024, 11:43 AM IST
પાટણ : પાટણ LCB પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખનાર લોકો સામે કડક કાર્યવાહી કરી હતી. જેમાં રાધનપુર અને મહેસાણામાં કાર્યવાહી અંતર્ગત કુલ બે તમંચા, બે પિસ્તોલ અને પાંચ કાર્ટેજ સહિત બે શખ્સની ધરપકડ કરી છે. હથિયારોની લે વેચ સાથે સંકળાયેલા બંને શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હથિયારોની લે વેચનો મામલો : પાટણ LCB પોલીસ ટીમ ગેરકાયદેસર હથિયારોના કેસમાં પકડાયેલા આરોપી પર વોચમાં છે. પોલીસ સ્ટાફ રાધનપુરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે રાધનપુરની શિવ શક્તિ સોસાયટીમાં રહેતા કનુભાઈ છગનભાઈ રાણાના ઘરે રેડ કરી હતી. પોલીસ તપાસમાં ગેરકાયદેસર રાખેલા બે તમંચા, એક પિસ્તોલ અને પાંચ નંગ કાર્ટેજ મળી આવ્યા હતા.
બે શખ્સની ધરપકડ : પાટણ LCB પોલીસ ઇન્ચાર્જ PI વી. આર. ચૌધરીએ આરોપી કનુને ઝડપી લઈ તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મહેસાણા ખાતે રહેતા દીપક રાખેજી ઠાકોરને એક પિસ્તોલ વેચી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ સ્ટાફે મહેસાણા જઈ દીપક ઠાકોરને પણ પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.
પોલીસ કાર્યવાહી : પોલીસે બંને શખ્સ પાસેથી ગેરકાયદેસર રુ. 50 હજાર કિંમતની બે પિસ્તોલ, 5 હજારના બે તમંચા, 500 રૂપિયાના 5 કાર્ટીઝ તથા મોબાઇલ સહિત કુલ રુ. 60500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત રાધનપુર પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ આર્મ્સ એક્ટ અને દારૂના ગુનામાં ઝડપાયેલા આ બંને આરોપીઓએ અન્ય કોઈને હથિયાર વેચ્યા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ સાથે પૂછપરછ હાથ ધરી છે.