કચ્છ: મુન્દ્રાથી ભુજ આવી રહેલી મીની બસને ટક્કર મારી 6 લોકોના મોત નિપજાવવાના મામલે માનકુવા પોલીસ સ્ટેશને કન્ટેનર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ભયાનક અકસ્માતમાં 6ના મોત: ભુજ-મુન્દ્રા રોડ પર કેરા-મુન્દ્રા વચ્ચે સીતારામ ટ્રાવેલ્સની મીની લકઝરી બસને ટ્રેલક ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા. તેમજ બસમાં સવાર 23 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જનારો આરોપી ટ્રેલર ચાલક અંતે ઝડપાઈ ગયો છે. આરોપી ટ્રેલર ચાલક સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં BNS કલમ-105,125(એ),125(બી), 281 તથા એમ.વી.એક્ટ કલમ-177,184 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
મૂળ બિહારનો આરોપી ડ્રાઈવર ઝડપાયો: માનકુવા પોલીસ દ્વારા અકસ્માત સર્જનારુ વાહન જપ્ત કર્યું હતું. તેમજ આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી 38 વર્ષીય સદ્દામહુશેન અબ્દુલ સહમત જે મૂળ બિહારનો રહેવાસી છે. જે હાલમાં ગાંધીધામમાં મીઠી રોહર પાસેના સૂર્યા એમ્પેક્સમાં ડ્રાઈવિંગનો ધંધો કરે છે. જેની પોલીસે ધરપકડ કરી છે.
અકસ્માત સર્જનાર સામે ગુનો: માનકુવા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુની તપાસ હાથ ધરી છે. પોલીસે બસના ક્લિનરને ફરિયાદી બનાવીને ઓવરટેક કરીને અકસ્માત સર્જનારા ચાલક સામે ગુનો નોંધ્યો હતો. તેની સાથે ટ્રેલર અને ભોગ બનનાર બસ પણ કબજે કરી હતી. પોલીસે આ મામલે આરોપીને ઝડપી લીધો છે. જેની વધુ પુછપરછ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ રાણા, એ.એન. ઘાસુરા અને માનકુવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતા કચ્છ જિલ્લા સહિત ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ પણ વાંચો: