સુરત: અડાજણ વિસ્તારમાં તસ્કરોએ કોર્પોરેટરના ઘરે હાથફેરો કર્યો છે. દીકરીના લગ્ન પ્રસંગ દરમિયાન તસ્કરોએ 14.19 લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર ગયા હતા.સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસમાં લાગી છે.
સુરત જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટર વૈશાલીબેન શાહના ઘરે તેમની પુત્રીના લગ્નપ્રસંગ દરમિયાન 14.19 લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યુંછે.
ગણેશપાર્ક સોસાયટીમાં રહેતા વૈશાલીબેન શાહની પુત્રીના લગ્ન હતા. તેઓએ લગ્નપ્રસંગ માટે તેમણે બેંકના લોકરમાંથી દાગીના લાવ્યા હતા. ગૃહશાંતિ વિધિ દરમિયાન તેમના પતિ દેવાંગભાઈ શાહે પંદર તોલાનો હાર અને બ્રેસલેટ પહેર્યા હતા. બાગબાન સર્કલ પાસેના ક્રિશ્ના પાર્ટી પ્લોટમાં વિધિ પછી બપોરે 3 વાગ્યે ઘરે પરત ફર્યા. દાગીના અને જેઠ-નણંદે આપેલા 42 હજાર રૂપિયા એક પાઉચમાં મૂક્યા હતા. બીજા દિવસે સાંજે જોયું તો 12.90 લાખનો હાર, 1.29 લાખનું બ્રેસલેટ અને રોકડ રકમ ગાયબ હતી.
લગ્નપ્રસંગમાં સગાસંબંધીઓ, ડ્રાઈવર, કામવાળી, રસોઈયા અને દીકરાના મિત્રો સહિત અનેક લોકોની હાજરી હતી. આટલી ભીડમાં કોણે ચોરી કરી તે રહસ્ય બની ગયું છે. વૈશાલીબેન શાહે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.