જુનાગઢ: મહાશિવરાત્રીનું મહાપર્વ ભવનાથની ગિરી તળેટીમાં શિવ અને જીવના મિલન રૂપે શરૂ થયું છે. જેમાં મહાકાલેશ્વરથી આવેલા નાગા સંન્યાસી શિવપુરીએ તેમના ધુણામાં રાષ્ટ્ર ભક્તિ પ્રબળ બને તે માટે રાષ્ટ્રધ્વજને રાખ્યો છે. તેની સાથે સાથે તેઓ મેળામાં આવતા પ્રત્યેક ભાવિકોને સ્વચ્છતાનું ચોક્કસ પાલન કરીને સનાતન ધર્મના આ ઉત્સવને ધર્મની સાથે સ્વચ્છતાભર્યો બનાવે તેવી આગ્રહ ભરી વિનંતી કરી છે.
મહાશિવરાત્રીના મેળામાં રાષ્ટ્રભક્તિનો સંદેશ: શિવ અને જીવના મિલન સમાન ભવનાથની ગિરી તળેટીમાં આયોજિત થતો મહાશિવરાત્રીનો મહા મેળો શરૂ થઈ ચૂક્યો છે. મેળાના 5 દિવસ દરમિયાન અલખને ઓટલે ધૂણી ધખાવીને શિવની આરાધના કરતા હોય છે. ત્યારે મહાકાલથી આવેલા નાગા સંન્યાસી શિવપુરીએ આ વખતે તેમના ધૂણામાં રાષ્ટ્રભક્તિનો સંદેશો મેળામાં આવતા પ્રત્યેક ભાવિકો અને સંન્યાસીઓમાં ફેલાય તે માટે ભારતના રાષ્ટ્રધ્વજને પ્રસ્થાપિત કર્યો છે. ધૂણામાં તોરણ પણ કેસરી સફેદ અને લીલા કલરના લગાવીને ધર્મના આ મહા ઉત્સવને રાષ્ટ્રનો ઉત્સવ પણ બનાવ્યો છે. સંન્યાસી શિવપુરી માને છે કે, રાષ્ટ્ર ભક્તિ પ્રત્યેક વ્યક્તિના દિલમાં હોવી જોઈએ. તેના માટે રાષ્ટ્રભક્તિના પ્રતિક રૂપે તેમને રાષ્ટ્રધ્વજને પ્રસ્થાપિત કર્યો છે.

ધર્મોત્સવને સ્વચ્છ બનાવાની અપીલ: મહાશિવરાત્રીનું આ મહાપર્વ ભવનાથની ગિરી તળેટીમાં માનવ મહેરામણના કીડીયારાથી ઉભરાતું જોવા મળે છે. લાખોની સંખ્યામાં આવતા શિવ ભક્તો અને ભાવિકોને શિવપુરી સ્વચ્છતાનો સંદેશો પણ આપે છે. ખૂબ મોટી સંખ્યામાં આવતા ભાવિકોને મેળાના સમય દરમિયાન અને સમગ્ર ભવનાથ પરીક્ષેત્રમાં સ્વચ્છતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે અપીલ કરી રહ્યા છે.


સ્વચ્છતાના નિયમોના પાલનની અપીલ: લાખોની સંખ્યામાં આવતા ભાવિકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને તો શિવ અને જીવના મિલન સમાન મહાશિવરાત્રીનું આ મહાપર્વ સાચા અર્થમાં ધર્મની સાથે રાષ્ટ્ર ભક્તિ સાથે પણ જોડાઈ શકે છે. જેથી પ્રત્યેક લોકોએ મેળામાં આવતા પૂર્વે પોતે સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરશે. તેવા ધ્યેય સાથે મેળામાં આવીને ધર્મના આ મહાઉત્સવને રાષ્ટ્રભક્તિમાં પરિવર્તિત પણ કરવો જોઈએ. તેવી આગ્રહભરી વિનંતી નાગા સંન્યાસી શિવપુરી કરી રહ્યા છે.
આ પણ વાંચો: