Surat Murder : કોસંબા ગામે નજીવી બાબતે ઘાતકી હત્યાનો બનાવ, ઉશ્કેરાયેલા યુવકે ચપ્પુ હુલાવ્યું - Surat Police Station
Published : Mar 7, 2024, 4:35 PM IST
સુરત : કોસંબા ગામે નજીવી બાબતે થયેલી ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગાળો નહીં બોલવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલાનો ભોગ બનનાર વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.
નજીવી બાબતે હિચકારો હુમલો : આ અંગે મળતી માહિતી અનુસાર 5 માર્ચની સાંજે હાંસોટના નવાઓભા ગામના 30 વર્ષીય ભલિયા વસાવા તેના મિત્ર ભાસ્કર પટેલ સાથે જુના કોસંબા વડ ફળિયા પાસે આવેલી આંગણવાડીના ઓટલા પાસે બેઠા હતા. ત્યાં બાલાપીર દરગાહ પાસે શિવમ રેસીડેન્સીમાં રહેતા સુનિલ ચંદ્રીકાસિંગ પ્રસાદ આવ્યો અને ભલિયા વસાવાને ગાળો ભાંડી એક થપ્પડ મારી દીધી હતી. ઉપરાંત સુનિલે બાજુમાં આવેલ કરિયાણાની દુકાનમાંથી શાકભાજી કાપવાનું ચપ્પુ લઈ ભલિયા વસાવા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે ભાસ્કર પટેલ વચ્ચે પડતાં સુનિલે તેના પણ માથાના પાછળ અને પીઠ તથા જમણા ખભા પર ચપ્પુથી હુમલો કર્યો હતો.
બનેલ ઘટનામાં ટૂંકી સારવાર દરમિયાન ભલિયાભાઈનું મોત નિપજ્યું છે. કોસંબા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આરોપીની પણ ઓળખ થઈ ગઈ છે. હાલ આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. -- ડી. વી. રાણા (PI, કોસંબા પોલીસ મથક)
એક વ્યક્તિનું કરુણ મોત : અચાનક થયેલા જીવલેણ હુમલાથી બચવા માટે બૂમાબૂમ કરતા સુનિલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ભલિયા વસાવાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે કોસંબા પોલીસે સુનિલ પ્રસાદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.