તાપી જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, ભારે પવન વચ્ચે ધૂળની ચાદર છવાઈ - Tapi unseasonal rains - TAPI UNSEASONAL RAINS
Published : May 13, 2024, 6:14 PM IST
તાપી : હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી અનુસાર તાપી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લાના લખાલી ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ચક્રવાતી પવન ફૂંકાયો, સાથે જ કરા સાથે વરસાદ પડ્યો હતો. એક તરફ ભરઉનાળે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. તાપીના વાલોડ,વ્યારા અને સોનગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેથી વાહનચાલકો ખૂબ જ પરેશાન થયા હતા. સ્થાનિક ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ સર્જાઈ છે. બરફના કરા સાથે વરસેલા વરસાદને જોઈ લોકો અચંભિત થયા હતા. કેટલાક લોકોએ વરસાદમાં આનંદ માણ્યો હતો. ફળોના રાજા કેરીના પાકને ખાસ નુકસાન થાય તેવી સ્થિતિ વચ્ચે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.