બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થયું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. જેમાં અપક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, જ્યારે વાવ વિધાનસભા બેઠક પર હવે 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપથી છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજીભાઈને મનાવવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે.
માવજીભાઈએ છેલ્લી ઘડીએ ભાજપનો ખેલ બગાડ્યો
માવજીભાઈએ ઉમેદવારી ફોર્મ પરત ન ખેંચાતા ભાજપને મુશ્કેલી વધી છે. જ્યારે બીજી બાજુ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભુરાભાઈ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા સુઈગામ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને ઉમેદવારી પત્ર પાછું ખેંચી ભાજપના સમર્થકો અને આગેવાનો સાથે ભાજપને જાહેર સમર્થન આપ્યું હતું. ગેનીબેનના કાકાએ ભાજપને સમર્થન આપતા કોંગ્રેસની પણ ચિંતા વધી છે.
ભાજપ-કોંગ્રેસ બંનેની ચિંતા વધી
ઉલ્લેખનીય છે કે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ફરીથી રિપીટ કર્યા છે, તો કોંગ્રેસે થરાદમાં પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા પૂ.ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બન્યા છે, તો બન્ને પાર્ટીઓમાંથી ટિકિટથી વંચિત રહેલા ચૌધરી સમાજના માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે, જેમાં મંગળવારે ભાભર ખાતે યોજાયેલા ચૌધરી સમાજના સંમેલનમાં ચૌધરી સમાજે માવજીભાઈને સમર્થન કરતાં વાવ વિધાનસભા પર ત્રિ-પાંખીયો જંગ જામશે. એક બાજુ ભાજપ-કોંગ્રેસ બંને મોટી રાજકીય પાર્ટીઓ તરફથી જાણીતા ચહેરાઓને ઉમેદવાર બનાવ્યા છે, તો બીજી બાજુ રાજકારણના ખેલાડી માવજીભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર હોવાથી ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે.