સુરત:ઉમરપાડા તાલુકાના ગોવટ ગામે રમતા રમતા કૂવામાં લપસી પડેલા બે બાળકોના કરુણ મોત નીપજ્યાં હતા. પરિવારના હૈયાફાટ રુદન આક્રંદના ગમગીન દ્રશ્યો સર્જાયા હતા. ફુલ જેવા બે નાના બાળકોના મોતના સમાચારથી સમગ્ર ગામમાં શોકના માહોલનું સર્જન થયું હતું.
કૂવામાં લપસી પડતાં બે બાળકોના મોત:ગોવટ ગામનો પાર્થ કુમાર ધરમસિંહ વસાવા અને નૈવિક કુમાર મહેશભાઈ વસાવા બંને મિત્રો ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા હતા અને ઘરેથી અભ્યાસ કરવા માટે શાળાએ જઈએ છીએ તેવું કહી નીકળ્યા હતા. ત્યારબાદ આ બંને મિત્રો ગામના ખેડૂત ઓલિયાભાઈ મનછીભાઈ વસાવાના ખેતરમાં આવેલ કુવા પાસે રમતા રમતા પહોંચી ગયા હતા. ખેતરમાં કૂવો કાચો હતો. ઉપરના કાંઠાની દિવાલ બનાવેલ ન હતી. જેથી જમીન પરથી કૂવામાં બાળકો લપસી પડ્યા હતા અને ડૂબી જવાને કારણે મોત થયા હતા.