અમદાવાદ: અમદાવાદ શહેર માટે એક સમય એવો હતો કે જ્યારે શહેરને કોમી રમખાણોના એપી સેન્ટર તરીકે ઓળખવામાં આવતું હતું. 2002માં થયેલા ગોધરાકાંડ બાદ પણ અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. પરંતુ આ કોમી રમખાણોની સામે આ જ શહેરની અંદર કોમી એકતાના પ્રતિક સમાન એક અખંડ દીવો છેલ્લા 605 વર્ષથી પ્રજવલિત થઈ રહ્યો છે. માં લક્ષ્મીનો આ દીવો જેની દેખરેખ એક મુસ્લિમ પરિવાર રાખે છે અને હિન્દુ તથા મુસ્લિમ બંનેની આસ્થાનું આ કેન્દ્ર છે.
માં લક્ષ્મીના દીવાની આ મુસ્લિમ પરિવાર દેખરેખ કરે છે: અમદાવાદ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા ત્રણ દરવાજા ખાતે એક અખંડ દીવો આવેલો છે. આ અખંડ દીવાની દેખરેખ વર્ષોથી મુસ્લિમ સમાજના મિર્ઝા પરિવાર દ્વારા રાખવામાં આવે છે. હાલ આ દીવાની દેખરેખ રાખતા યુનુસભાઈ મિર્ઝા સાથે જ્યારે ETV ભારત દ્વારા વાત કરવામાં આવી ત્યારે આ દીવાના ઇતિહાસની તથા કોમી એકતાની એ ઐતિહાસિક વાર્તા સાંભળવા મળી.
સીદી બશીર દ્વારા લક્ષ્મીને વચને બાંધવામાં આવ્યા હતા: યુનુસભાઈના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં જ્યારે અહેમદશાહ બાદશાહનું શાસન હતું. ત્યારે આ ત્રણ દરવાજા પાસેથી માં લક્ષ્મી શહેર છોડીને જતા હતા ત્યારે દરવાજાનો રક્ષક સીદી બશીર હતો. સીદી બશીર દ્વારા માં લક્ષ્મીને રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે બાદશાહની પરવાનગી વગર તમે શહેર છોડીને જઈ શકો નહીં, હું બાદશાહની પરવાનગી લઈને આવું છું તમે વચન આપો કે હું પાછો આવું ત્યાં સુધી તમે શહેર છોડીને જશો નહીં.
લક્ષ્મી ન જતા રહે તે માટે પોતાનો શિરચ્છેદ કર્યો: આમ માં લક્ષ્મીને વચને બાંધીને દરવાજાનો રક્ષક સિદી બશીર બાદશાહ પાસે જાય છે અને સમગ્ર વાત જણાવે છે તથા પોતાનો શિરચ્છેદ કરવાનું કહે છે. અને બાદશાહ દ્વારા તેનું શિરચ્છેદ કરી દેવામાં આવે છે આથી સિદી બશીર પાછો જઈ શકતો નથી અને વચન પ્રમાણે તે પાછો ન આવે ત્યાં સુધી માં લક્ષ્મી શહેર છોડીને જઈ શકતા નથી.
605 વર્ષથી આ અખંડ દીવો હિન્દુ મુસ્લિમની આસ્થાનું કેન્દ્ર છે: આમ શહેરમાંથી લક્ષ્મી જતી ન રહે તે માટે આ દરવાજાના રક્ષક સિદી બશીર દ્વારા પોતાનો શિરચ્છેદ કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી જ એટલે કે અંદાજિત 605 વર્ષથી આ ત્રણ દરવાજા ખાતે આ અખંડ દીવો તેની યાદમાં પ્રજવલિત થઈ રહ્યો છે.
માન્યતા છે કે આજે પણ ભદ્રમાં લક્ષ્મીનો વાસ છે: સ્થાનિક લોકોનું એવું પણ માનવું છે કે અમદાવાદના આ વિસ્તારમાં માં લક્ષ્મીનો વાસ છે આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ કોઈ દિવસ ભૂખ્યો મરતો નથી, બધા લોકો આર્થિક રીતે સુખી સંપન્ન છે.
દીવાના દર્શન વગર વ્યાપારીઓ દુકાનો નથી ખોલતા: એક તરફ જે અમદાવાદ એક સમયે કોમી રમખાણો માટે ઓળખીતું હતું. ત્યાં જ 605 વર્ષથી હિન્દુ તથા મુસ્લિમ બંને સમાજની એકતાનું પ્રતીક સમાન આ માં લક્ષ્મીનો દીવો પ્રજવલિત થઈ રહ્યો છે. પેઢી દર પેઢી આ મિર્ઝા પરિવાર દ્વારા તેને દેખરેખ રાખવામાં આવે છે. આજે પણ ભદ્ર વિસ્તારના કેટલાક એવા લોકો પણ છે જે સવારે આ દીવાના દર્શન કર્યા વગર પોતાની વ્યવસાય શરૂ કરતા નથી.
આ પણ વાંચો: