કચ્છ: જિલ્લાના લોકોની લાંબા સમયની માંગ બાદ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી નમો ભારત રેપિડ રેલ શરૂ કરવામાં આવી હતી. હાલમાં આ નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અઢી મહિનાના સમયગાળામાં કુલ 1 લાખ જેટલા મુસાફરોએ ટિકિટ ખર્ચીને મુસાફરી કરી છે અને રેલવે વિભાગને 3.12 કરોડની આવક થઈ છે. પરંતુ અહીં જાણવા જેવી બાબત એ છે કે, આ ટ્રેનમાં રેલવે પ્રોટેક્શન ફોર્સનો કોઈ જવાન ફરજ નથી બજાવી રહ્યો તો સાથે જ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓની ટિકિટ ચેક કરવા માટે પણ કોઈ ટિકિટ ચેકર નથી.
અઢી મહિનામાં ટિકિટ ખર્ચીને 1 લાખ મુસાફરોએ કરી મુસાફરી: પશ્ચિમ રેલવે કચ્છ વિભાગમાં પીઆરઓ ફુલચંદે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 16મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાઈને આધુનિક સુવિધાઓથી સજ્જ અને સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યારે 16 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2024 સુધી આ ટ્રેનમાં 1 લાખ જેટલા મુસાફરોએ મુસાફરી કરી છે. દરરોજના અંદાજિત 1300 થી 1400 લોકો આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. આમ, દિવસેને દિવસે આ ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અઢી મહિનાના સમયગાળા દરમિયાન રેલવેને આ ટ્રેન દ્વારા 3.12 કરોડ રૂપિયા જેટલી આવક કરી છે.
ટ્રેનમાં RPF ન હોવાથી સીટને લઈને અનેકવાર ઝઘડા: ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનમાં કોઈ સીટ નંબર નથી, જેથી મુસાફરો ગમે તે સીટ પર મુસાફરી કરી શકે છે. ત્યારે સીટને લઈને મુસાફરોમાં અનેક વખત ઝઘડા થતા હોય છે જેના વિડિયો પણ સામે આવતા હોય છે. આ ટ્રેનમાં કોઈ RPF પણ તૈનાત નથી. જોકે આ ટ્રેન સીસીટીવી કેમેરાથીસજજ છે, પરંતુ ઝઘડાના સમયે સીસીટીવી દ્વારા ઉકેલ આવી શકે તેમ શક્ય નથી.
ટ્રેનમાં કોઈ ટિકિટ ચેક કરવાવાળો પણ નથી: આ ઉપરાંત આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રેલ્વે સ્ટેશન પરથી જ ટિકિટ મેળવવાની હોય છે ત્યારે અમુક લોકો મુસાફરી કરવા માટે ટિકિટ મેળવીને મુસાફરી કરતા હોય છે. પરંતુ અનેક લોકો ટિકિટ લીધા વગર જ મુસાફરી કરતા હોય છે. કારણ કે આ ટ્રેનમાં ટિકિટ ચેક કરવા માટે કોઈ ટિકિટ ચેકર નથી. પરિણામે લોકો બિન્દાસ ટિકિટ લીધા વગર જ મુસાફરી કરતા હોય છે. આમ સત્તાવાર આંકડા અનુસાર અઢી મહિનામાં 1 લાખ લોકોએ મુસાફરી કરી છે, પરંતુ વાસ્તવમાં તેનાથી પણ વધારે લોકોએ મુસાફરી કરી છે તેમ જણાઈ આવે છે.
ટ્રેન સાથે ગાય ભટકાતાં અકસ્માત: 28મી નવેમ્બરના રોજ આ નમો ભારત રેપિડ રેલને અકસ્માત નડ્યો હતો. ભુજ આવતી વખતે ધ્રાંગધ્રાના ચુલી પાસે ટ્રેક પર ટ્રેન સાથે ગાય ભટકાઈ હતી જોકે કોઈ જાનહાનિ થઇ ન હતી. નમો ભારત રેપિડ રેલ ટ્રેનના એન્જીન સાથે ગાય ભટકાતાં ટ્રેનના આગળના પતરાંને નુકસાન થયું હતું અને ટ્રેન હળવદ રેલવે સ્ટેશન ખાતે 30 મિનીટ મોડી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ નમો ભારત રેપિડ રેલમાં એડવાન્સ સેફટી સિસ્ટમ છે. જેમાં ટકરાવથી બચવા સેફટી અને ઈમરજન્સી લાઈટ, એડવાન્સ બ્રેકિંગ સીસ્ટમ પણ છે છતાં અકસ્માત થયો હતો.
ટ્રેનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ: નમો ભારત રેપિડ રેલની વાત કરવામાં આવે તો આ ટ્રેનમાં મુસાફરોને આધુનિક મુસાફરીનો અનુભવ થાય છે. મેક ઇન ઇન્ડિયાની આ ટ્રેન, ટેક્નોલોજીથી વિકસિત 12 એર-કન્ડિશન્ડ કોચથી સજ્જ છે. આ ટ્રેનમાં સેન્ટ્રલી ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, વેક્યૂમ ઈવેક્યુએશન સાથેના ટોઈલેટ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તો સાથે જ સલામતીની વાત કરવામાં આવે તો આ ટ્રેન ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન અને એરોસોલ આધારિત ફાયર ફાઈટિંગ સિસ્ટમ સાથે એલાર્મ સિસ્ટમથી પણ સજ્જ છે.
ટ્રેનનો રૂટ અને સમય: અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી 5:30 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 11:10 કલાકે ભુજ પહોંચે છે. ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રવિવાર સિવાય દરરોજ 05.05 કલાકે ભુજથી ઉપડે છે અને તે જ દિવસે 10.50 કલાકે અમદાવાદ પહોંચે છે. નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ મુસાફરી દરમિયાન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશન પર ઉભી રહે છે.
આ પણ વાંચો: