આજે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ (Etv Bharat gujarat) જુનાગઢઃઆજે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ છે, ભારતના એસ આર રંગનાથનના જન્મ દિવસને લઈને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આમ તો આપ જાણતા જ હશો પણ નવી પેઢીને એ પણ જણાવીશું કે આ એસ આર રંગનાથન કોણ છે. તો જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના પુસ્તકાલયમાં સોનાની જરી સાથેની શાહીનો ઉપયોગ કરીને લખવામાં આવેલા દુર્લભ ગ્રંથો પણ સાચવવામાં આવ્યા છે.
આજે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ
આજે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતના મૃધન્ય ગ્રંથપાલ એસ આર રંગનાથનના જન્મદિવસને લઈને આજે સમગ્ર દેશમાં ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રંગનાથન એક લાયબ્રેરિયન અને મેથેમેટીસિયન પણ હતા. જો જુના દસ્તાવેજોનું માનીએ તો તેઓને લાયબ્રેરી વિજ્ઞાન, ડોક્યુમેન્ટેશન અને માહિતી વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. પુસ્તક અને પુસ્તકાલય ઉપરાંત વાચકો વચ્ચેની મહત્વની કડી સમાન ગ્રંથપાલને માનવામાં આવે છે. કોઈ પણ વાચક પોતાના જ્ઞાનની ભૂખને પરિપૂર્ણ કરવા માટે લાઇબ્રેરી સુધી પહોંચે છે પરંતુ કોઈ પણ વાચકની ઈચ્છા મુજબનું પુસ્તક ક્યાં છે? પુસ્તકાલયમાં તે ઉપલબ્ધ છે કે નહીં? છે તો કઈ જગ્યા પર પડેલું છે? તેની ઓળખ એક માત્ર પુસ્તકાલયમાં વાચક અને પુસ્તકો વચ્ચે કડીરૂપ બનેલા ગ્રંથપાલ પાસે હોય છે. તેમની પાસે ના માત્ર પુસ્તકનું સરનામું પણ કયા વાચકમાં કેટલી વાંચનની ભૂખ છે તેની પણ ગણતરીઓ હોય છે. જેને કારણે પુસ્તકાલયમાં આજે પણ ગ્રંથપાલનું સ્થાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ લાયબ્રેરીમાં સોનાની શાહીથી લખેલા પુસ્તકો
જુનાગઢની સરકારી બહાઉદ્દીન વિનિયન કોલેજની લાઇબ્રેરીમાં અનેક અલભ્ય પુસ્તકોનો ખજાનો પણ સચવાયેલો જોવા મળે છે. જુનાગઢના નવાબ દ્વારા શરૂ કરવામાં આવેલી આ કોલેજની પુસ્તકાલય આજે પણ અનેક ઐતિહાસિક પુસ્તકોને વાંચનાલયમાં સફળતાપૂર્વક સાચવવામાં સફળ રહી છે. શંકરાચાર્ય પર લખવામાં આવેલા 18 જેટલા પુસ્તકોનો સંપુટ કે જે સોનાની જરી સાથેની શાહી સાથે લખવામાં આવ્યા છે. આ પુસ્તકો આજે 100 વર્ષ કરતાં પણ વધારે જુના બની ચૂક્યા છે. તેમ છતાં તે આજે જુનાગઢની બહાઉદ્દીન કોલેજની લાઇબ્રેરીમાં બિલકુલ સસવાયેલા જોવા મળે છે. પુસ્તકાલયના પુસ્તકો વાચકોની ભૂખ અને વાંચનાલય પ્રત્યે કેટલો નજીકનો સંબંધ છે તે પણ ઉજાગર કરે છે.