ગીર: રાજપરા ગીર ખાતે લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ચારણ ગઢવી સમાજ માટે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 58 દીકરા-દીકરીઓ આજે ચારણ ગઢવી સમાજની પરંપરા અને સંસ્કૃતિ અનુસાર લગ્નના બંધને બંધાયા હતા. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા ચારણ અને ગઢવી સમાજમાં આજે પણ અકબંધ જોવા મળે છે. પારંપરિક પહેરવેશ, લગ્નની સદીઓ જૂની પરંપરા, વરરાજા અને વધુએ લગ્નના દિવસે પહેરવાના થતા કપડા આ બધું આજે એક સદી કરતા પણ વધારે સમયથી સતત ચાલતુ આવે છે. તેમાં આજે કોઈ પણ પ્રકારનો ફરક જોવા મળતો નથી. જેને કારણે સૌરાષ્ટ્રની આ પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા આજે પણ એક અલગ ઓળખ ઊભી કરે છે.
સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા ગઢવી-ચારણ સમાજના લગ્ન
સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે 'બાર ગામે બોલી બદલાય.' સૌરાષ્ટ્રની આ અલગ ઓળખ અને સંસ્કૃતિ આજે પણ સૌ કોઈને એક વખત વિચારતા કરી મૂકે છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને એ ગીર વિસ્તારમાં વસતા ચારણ, ગઢવી, રબારી, મેર, આહીર અને માલધારી સમાજમાં આજે પણ પ્રાચીન પરંપરા અને તેમના સમાજ સાથે જોડાયેલી માંગલિક અને ધાર્મિક કાર્ય વિધિમાં જોવા મળતું પરંપરિક વસ્ત્ર પરિધાન, કોઈ પણ કાર્યને લઈને હાથ ધરવામાં આવતી વિધિઓ આજે વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર જોવા મળે છે.

આધુનિક સમયમાં આજે પણ ગિરનાર માલધારી હોય કે રબારી, આહીર હોય કે મેર કે પછી સંસ્કૃતિનું રક્ષણ જેની સાથે જોડાયેલું છે તેવા ગઢવી અને ચારણ સમાજ. આજે એક એવી પરંપરાના પ્રહરી બનીને સૌરાષ્ટ્રની આ પ્રાચીન પરંપરા કે જેને સંસ્કૃતિ સાથે પણ જોડીને જોવામાં આવે છે તેના દર્શન રાજપરા ગીર ખાતે આયોજિત ચારણ ગઢવી સમાજના લગ્નમાં જોવા મળ્યા.

અનેક રીતે અલગ પડે છે ચારણ-ગઢવી સમાજ
કહેવાય છે કે સૌરાષ્ટ્રની લોક બોલીમાં જે કલાકારો અત્યાર સુધી સમગ્ર વિશ્વને મળ્યા છે. તેમાં મોટાભાગના ચારણ ગઢવી સમાજના કલાકારો હોય છે. કહેવાય છે તે ચારણ ગઢવી સમાજની જીભ પર સ્વયંમ માતા સરસ્વતી સંસ્કૃતિ અને લોક બોલીના રૂપે બિરાજતી હોય છે. આવા ગઢવી અને ચારણ સમાજની પરંપરા તેમના વસ્ત્ર પરિધાનો અને તેમના માંગલિક પ્રસંગોમાં થતી વિધિ આજે પણ એકદમ અલગ જોવા મળે છે. વરરાજા લાલ પાઘડીની સાથે ઉપરણી ખેશડાની ભેટ, ચોરણો, કેડીયું પહેરીને એકદમ વર્ષો જૂની પરંતુ સૌ કોઈને પ્રભાવિત કરી મૂકે તે પ્રકારના પહેરવેશ સાથે લગ્ન મંડપમાં જોવા મળે છે.

તો બીજી તરફ કન્યા લાલ કલરની ચુંદડીમાં સમગ્ર રીતે ઢંકાયેલી જોવા મળે છે. આ પ્રકારની લગ્ન વિધિ કોઈ પણ સમાજમાં થતી જોવા મળતી નથી. સમગ્ર લગ્ન દરમિયાન અને કન્યા વિદાય થતી વખતે પણ કન્યાનું મોં અને તેના હાથ લાલ કલરની ઓઢણીથી સતત ઢંકાયેલા રહે છે. જે આધુનિક સમયમાં પણ સંસ્કૃતિ અને પરંપરા શું હોઈ શકે તેનું નિર્વાહન કઈ રીતે થાય તેનું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે.

લગ્નની તમામ વિધિની પણ રખાય છે નોંધ
ચારણ ગઢવી સમાજમાં જ્યારે પણ લગ્ન જેવો કોઈ પણ માંગલિક પ્રસંગ હોય, ત્યારે તેમાં સમાજના બારોટની ભૂમિકા આટલી જ મહત્વની બને છે. બારોટ સમાજ થયેલા લગ્નને ચોપડે નોંધતા લગ્ન મંડપમાં જોવા મળે છે. આ પ્રકારની ખાસ અને વિશેષ પરંપરા ગીરના ચારણ-ગઢવી સમાજમાં અલગ જોવા મળે છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દરેક જ્ઞાતિને તેમના એક બારોટ હોય છે. પરંતુ લગ્ન મંડપમાં બારોટ દ્વારા વર અને કન્યાના લગ્નને ચોપડે નોંધવાની આ પરંપરા સૌથી અલગ જોવા મળે છે.

આજે પણ ગઢવી સમાજ પાસે તેનો 250 વર્ષ કરતાં પણ પૂર્વેનો ઇતિહાસ ચોપડે નોંધાયેલો જોવા મળે છે. જે ગઢવી સમાજની એક વિશેષતા પણ બની રહી છે. કોઈ પણ પ્રસંગે બારોટ દ્વારા ચોપડામાં કરવામાં આવેલી નોંધ સદીઓ સુધી જળવાય છે અને કોઈ પણ વ્યક્તિના વંશ અને વારસદારો કોણ છે તેની નોંધ ગઢવી ચારણ સમાજના બારોટ ચોપડે કરે છે. જેને કારણે પણ આ સમાજ આજે અન્ય પરંપરાઓથી એકદમ વિશેષ રીતે અલગ જોવા મળે છે.

અન્ય મહિલા અને પુરુષો પણ પારંપરિક વેશ પરિધાનમાં
ગઢવી ચારણ સમાજની અન્ય મહિલા અને પુરુષો પણ પરંપરિક વેશ પરિધાનમાં જોવા મળે છે. જેમાં મહિલાઓ મોટે ભાગે લાલ કલરનું ઢારવું અને લાલ-લીલા કલરની ભાતો વાળું પેરણું અને ઓઢણું ઓઢીને એક જાજરમાન મહિલા સંસ્કૃતિનું રક્ષણ કરીને તેને આગળ વધારતી હોય તે પ્રકારે જોવા મળે છે. તો બીજી તરફ ગઢવી સમાજના પુરુષો માથે સફેદ ઊનની ટોપી, ચોરણી, કેડિયું અને ખાસ કમરે બાંધેલી ચુંદડી આજે પણ તેને તમામ પરંપરાઓથી અલગ બનાવે છે.

ચારણ-ગઢવી સમાજની આ પરંપરામાં પુરુષો તેની કદ કરતાં વધારે ઊંચી લાકડી સાથે એકદમ શોભાયમાન થાય છે. જેને કારણે ચારણ અને ગઢવી સમાજની મહિલા અને પુરુષો અન્યથી એકદમ અલગ તરી આવે છે જે સૌરાષ્ટ્રની પરંપરા અને સંસ્કૃતિને એકદમ જાજરમાન ઠાઠ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: