વોશિંગ્ટન : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વફાદાર અને ભારતીય મૂળના કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના (FBI) નવમા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિના સહાયક અને વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ આ વાતની પુષ્ટિ કરી છે.
FBI ડિરેક્ટર કાશ પટેલ : તમને જણાવી દઈએ કે, આ નિમણૂકને અમેરિકાની ટોચની તપાસ એજન્સી FBI ના નેતૃત્વ માળખામાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. સ્કેવિનોએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં એક સમારોહમાં કાશ પટેલના કમિશન પર હસ્તાક્ષર કર્યા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યા કમિશન પર હસ્તાક્ષર : મળતી માહિતી મુજબ, યુએસ સેનેટે ટ્રમ્પના કટ્ટર સમર્થક ગણાતા કાશ પટેલની નિમણૂકને 49 વિરુદ્ધ 51 મતોથી મંજૂરી આપી દીધી છે. સોશિયલ મીડિયા 'એક્સ' પર એક પોસ્ટ શેર કરતા સ્કેવિનોએ લખ્યું કે, થોડા સમય પહેલા ઓવલ ઓફિસમાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નવમા ડિરેક્ટર કશ પટેલને અભિનંદન. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કમિશન પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા છે.
વ્હાઇટ હાઉસે કાશ પટેલને વધાવ્યા : બીજી તરફ વ્હાઇટ હાઉસે નવા FBI ડિરેક્ટર તરીકે કાશ પટેલની નિમણૂકનું સ્વાગત કર્યું અને તેમને અખંડિતતા પુનઃસ્થાપિત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડાને લાગુ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. વ્હાઇટ હાઉસે પોસ્ટમાં લખ્યું કે, FBI હવે નિષ્પક્ષપણે અને પક્ષપાત વિના ન્યાય લાગુ કરવાના તેના મુખ્ય મિશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. FBI અમેરિકન લોકોની સેવા કરશે અને તેના મુખ્ય મિશન પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ન્યાય વિભાગમાં મોટા ફેરફાર : તમને જણાવી દઈએ કે, ટ્રમ્પે કાશ પટેલની નિમણૂક એવા સમયે કરી છે જ્યારે ન્યાય વિભાગમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ટીકાકારો તેમની નિમણૂકને લઈને ટ્રમ્પ પ્રશાસનને સતત નિશાન બનાવી રહ્યા છે. જ્યારથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સત્તા સંભાળી છે ત્યારથી તેઓ સુધારા કરવામાં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી 75 વરિષ્ઠ વકીલો અને FBI અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા અથવા તો રાજીનામું આપી દીધું છે.