સુરત: ઓલપાડ તાલુકાના પરીયા ગામની સંસ્કાર ઇન્ડસ્ટ્રી ખાતે ટેક્સટાઇલના કારખાનામાં બુધવારે મોડી સાંજે 6 વાગ્યા બાદ અચાનક આગ લાગી હતી. આગ વિકરાળ બનતા ફેક્ટરીના ઉપરના માળે પતરાનો શેડ, ત્યાં રાખેલી મશીનરી અને કાપડનો કાચો તથા તૈયાર માલ આગની ચપેટમાં આવી ગયો હતો. યાર્ન બળવાથી આગ વધુ પ્રસરતા બાજુમાં આવેલા અન્ય ત્રણ કારખાના પણ ચપેટમાં આવતા આગ વધુ પ્રસરી હતી.
આગની લપેટમાં ત્રણે ફેકટરીના ઉપરના માળના શેડ સાથે સામગ્રી સળગી ગયા હતા. સુરત ફાયરબ્રિગેડની 6 ગાડી, બારડોલી ફાયરબ્રિગેડની 2 ગાડી, કીમ ફાયર બ્રિગેડની 2 અને પાનોલીની 2 ગાડી મળી કુલ 12 ગાડી દુર્ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. પરીયા ગામે લુમ્સના કારખાનામાં લાગેલી વિકરાળ આગના ધુમાડા કિલોમીટર દૂર સુધી દેખાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ફેકટરીઓમાં મોડી સાંજે આગ લાગવાની ભયાનક ઘટનાએ પરીયા ગામમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે આગ લાગવાની ઘટનાના કલાકો સુધી પણ આગ કાબૂમાં ન આવતા વહેલી સવાર સુધી કામગીરી ચાલી હતી. સતત 12 કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આખરે આગ કાબુમા આવી હતી.

આગ લાગવાની ઘટનાને પગલે લુમ્સના કારખાનામાં રહેલ મશીનરી બળીને ખાક થઈ ગઈ હતી. તેમજ બિલ્ડિંગના બાંધકામને પણ મોટું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: