જૂનાગઢઃ અત્યંત ચકચારી એવા તોડકાંડના આરોપી અને પોલીસ પકડમાં રહેલા માણાવદરના સીપીઆઈને જૂનાગઢ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો. માણાવદરના સી પી આઈ તરલ ભટ્ટની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાતા ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તરલ ભટ્ટને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તરલ ભટ્ટના પોલીસ રિમાન્ડ આજે પૂર્ણ થતા ફરીથી તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
એટીએસ દ્વારા વધુ રિમાન્ડ ન મંગાયાઃ જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગ આજે કોર્ટમાં નહીં કરાતા જૂનાગઢ ચિફ મેજિસ્ટ્રેટે તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો. સમગ્ર મામલામાં જૂનાગઢ એસોજીના પી.આઈ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની હજી પણ પોલીસ પકડની બહાર છે. પોલીસ ફરાર પીઆઈ અને એએસઆઈને પકડવા માટે નવેસરથી ઓપરેશન શરૂ કરે તેવી શક્યતાઓ છે. હાલ તો તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવતા સમગ્ર મામલામાં એટીએસ હવે ફરાર આરોપીને પકડવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી શકે છે.