તાપી : સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર મામલે પોલીસે હત્યામાં બાળકીના પિતાની અટક કરી છે. જેમાં પિતાએ ઘર કંકાસના ઝગડામાં હત્યા કરી હોવાનું ખુલ્યું છે.
પાણીના ટાંકામાં મળ્યો મૃતદેહ : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામેથી એક દોઢ વર્ષની બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી હતી. પોલીસ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં અનસુલઝી ગુથ્થી સુલઝાવી દીધી હતી. આ પ્રકરણમાં સોનગઢ પોલીસે હત્યા કરનારને ઝડપી લીધો છે. ખુદ બાળકીના પિતાએ બાળકીને ટાંકીના પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
મૃતકનો પિતા જ નીકળ્યો આરોપી : બાળકીના પિતા વિરલ ગામીતની પોલીસે અટક કરી કોર્ટ કસ્ટડીમાં ધકેલી દીધો છે. પોલીસની પૂછપરછમાં આરોપી પિતાએ નિર્દોષ બાળકીની હત્યા ઘરકંકાસ અને ઝગડાને લઈ કરી હોવાની કબૂલાત કરી છે. હાલ તો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને હત્યાનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે. આરોપી પિતાની આ કરતૂતને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ડોગ સ્કોડે હત્યની ગુથ્થી સુલઝાવી : આ ગુનાની તપાસમાં ડોગ સ્કોડની મદદ લેવામાં આવી હતી. જેમાં ગુનાવાળી જગ્યા અને મૃતકની ઘરની સામેના ઘરે અગાસી પર તપાસ કરાઈ. તપાસ કરનાર ટીમનો શ્વાન ધાબા પરથી નીચે ઉતરી મૃતક દિકરીના પિતા પાસે ગયો હતો. બાદમાં પોલીસે પિતાની પૂછપરછ કરતા તેણે ઘરકંકાસને કારણે છોકરીને મારી નાખ્યા હોવાનું કબૂલ્યું હતું. પરંતુ પોલીસ હાલ આ હત્યાનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ હાથ ધરી રહી છે.
તાપીનો ચકચારી હત્યા કેસ : તાપી જિલ્લાના નિઝર ઝોનના DySP ઈશ્વર પરમારે માહિતી આપતા જણાવ્યું કે, સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 25 જાન્યુઆરીએ એક હત્યાનો ગુનો નોંધાયો હતો. કુકડાદુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ગામીતે પોતાની 1 વર્ષ પાંચ માસની સગી દિકરી સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને ઉઠાવી ઘરના ધાબા પર એક પાણીની ટાંકીમાં નાખી તેની હત્યા કરી છે, પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે.