જૂનાગઢ :મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત ભાવિકો, મેળાની મુલાકાતે આવનાર પ્રવાસીઓ અને સ્થાનિક નાના મોટા વેપારીઓના પ્રતિભાવો મેળવવા માટે એક સંશોધન કાર્ય શરૂ થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યાપકો અને પ્રોફેસરો આ સર્વે કાર્યમાં જોડાયા હતા.
મહાશિવરાત્રી મેળાનો સર્વે :મહાશિવરાત્રી મેળા દરમિયાન અંદાજે બે થી ચાર હજાર લોકોના સર્વે કરી સુચારુ આયોજન, સુવિધાઓ અને મેળા દરમિયાન ઉદભવતી તકલીફોને રાજ્યની સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સર્વેના મારફતે આવતા વર્ષે મેળાના આયોજનમાં કેવી સુવિધાનો વધારો કરી શકાય તે માટે ખાસ પ્રશ્નાવલી તૈયાર કરાઈ છે. સંશોધનકારો પ્રવાસીઓ અને ભાવિકોની વચ્ચે જઈને સંશોધનમાં ખૂબ અનિવાર્ય એવા તેમના પ્રતિભાવો નોંધ્યા હતા.
મહાશિવરાત્રી મેળા પર પ્રથમ વખત સંશોધન (Etv Bharat Gujarat) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સહિયારો પ્રયાસ
મહાશિવરાત્રીના ઐતિહાસિક મેળામાં પ્રથમ વખત સંશોધન કાર્ય શરૂ થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યાપકો અને સંશોધનકારોએ શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો, પ્રવાસીઓ અને નાના મોટા વેપારીઓના પ્રતિભાવો મેળવવાની શરૂઆત કરી છે. મેળાનું સુચારુ આયોજન થઈ શકે અને મેળા દરમિયાન મળતી સગવડ અને પડતી અગવડને નોંધ કરીને આગામી વર્ષોમાં તેની અમલવારી થાય તે માટે ડેટા એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું છે.
40 સવાલોની પ્રશ્નાવલી :શિવરાત્રીના મેળા દરમિયાન ચાલનાર સંશોધન કાર્યમાં 40 જેટલા અલગ અલગ પ્રશ્નોને સામેલ કરીને તેમાં લોકોના પ્રતિભાવ નોંધવામાં આવશે. મેળો પૂર્ણ થયા બાદ સંશોધનનો સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. આ સર્વેમાં મળેલા સૂચનો આવતા વર્ષે આયોજિત થનારા મહાશિવરાત્રીના મેળામાં અમલી બનાવવામાં ખૂબ મહત્વના સાબિત થશે.
વ્યક્તિગત ભાવિકોના નોંધાયા સૂચનો :મહાશિવરાત્રીના મેળામાં પાંચ દિવસ દરમિયાન અંદાજે 10 થી 12 લાખ લોકો આવે છે. સૌરાષ્ટ્રની ભાતીગળ અને પારંપરિક મેળાની સાથે ધર્મ સાથે જોડાયેલ આ મહાશિવરાત્રીનો ઉત્સવ અનેક લોકોને રોજગારી પણ આપે છે. જેમાં નાના મોટા વેપારીઓનો સમાવેશ થાય છે. આવા તમામ લોકોના સૂચનો લેખિતમાં સંશોધન કાર્ય સાથે સંકળાયેલા સંશોધનકારો દ્વારા નોંધવામાં આવ્યા છે. પાંચ દિવસ દરમિયાન અંદાજે બે થી પાંચ હજાર લોકોના આ પ્રકારે સેમ્પલ એકત્ર કરવામાં આવશે.
અલગ અલગ પ્રશ્નાવલી થકી મળશે સૂચનો :મેળામાં આવતા ભાવિકો માટે અલગ અલગ 40 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં મેળામાં આવનાર પ્રત્યેક ભાવિકની જાતિ (સ્ત્રી કે પુરુષ), તેમની વય, મેળામાં આવનાર વ્યક્તિનો અભ્યાસ અને તે કયા વિસ્તાર અને શહેરમાંથી આવે છે તેની ખાસ નોંધ રાખવામાં આવે છે. પ્રશ્નાવલીમાં મેળામાં કેટલા વર્ષથી સામેલ થઈ રહ્યા છો, મેળામાં આવવાનું કારણ, શિવરાત્રી મેળાની માહિતી કઈ રીતે મળી, મેળો સમાજની એકતા માટે કેટલો મહત્વનો, ભવનાથનો મેળો અલગ અલગ સંસ્કૃતિને કઈ રીતે જોડે છે, પાંચ દિવસ દરમિયાન મેળામાં થતી પ્રવૃત્તિઓ કેવી પસંદ આવે છે, ભાતીગળ મેળામાં યુવાનો કેટલો રસ ધરાવે છે, ભવનાથ સિવાય જૂનાગઢના પર્યટન સ્થળમાં જવાનું પસંદ કરો છો, મેળામાં મળતી સુવિધાઓ સૌથી વધારે કઈ પસંદ પડી, જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે.
સ્થાનિક અને નાના વેપારીઓ કેન્દ્રસ્થાને :સ્થાનિક અને નાના વેપારીઓના પ્રશ્નોને પણ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં જે તે સ્થાનિક નાના વેપારી કેટલા વર્ષથી વેપાર સાથે જોડાયેલો છે, તે કેવા પ્રકારનો વ્યવસાય કરે છે, મેળા દરમિયાન દૈનિક આવક ધંધા રોજગારમાંથી કેટલી થાય છે, મેળા દરમિયાન વેચાણ સામાન્ય કરતાં વધે છે કે કેમ, મેળામાં જે ખરીદનાર વર્ગ છે તે કોણ છે અને મેળા દરમિયાન નાના વેપારીઓ સરકાર પાસેથી કેવી મદદની અપેક્ષાઓ રાખે છે, જેવા સવાલો છે. આવા અલગ અલગ 40 જેટલા સવાલો મેળામાં આવનાર ભાવિકો સમક્ષ મૂકવામાં આવ્યા છે, જેનો વિગતવાર રિપોર્ટ મેળો પૂર્ણ થયા બાદ રાજ્યની સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ આવતા વર્ષે આયોજિત થનારા શિવરાત્રી મેળામાં સૂચનોની અમલવારીને લઈને રાજ્ય સરકાર આગળ વધશે.