અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ અદાલતના અનાદરની કાર્યવાહી શરૂ કરી છે. એક મિલકતનો કેસ પહેલાથી ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ હતો, તેમ છતાં હાલોલ નગરપાલિકા દ્વારા તે મિલકત તોડી પાડવા પગલા ભરવામાં આવ્યા બાદ હાઇકોર્ટે સખત કાર્યવાહી શરૂ કરી હતી.
અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામનો મામલો :આ કેસની વિગત એવી છે કે, હાલોલમાં કબજેદારો દ્વારા કથિત રીતે અતિક્રમણ કરાયેલી ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે હાલોલ નગરપાલિકાના સત્તાવાળાઓએ નોટિસ પાઠવી હતી. ત્યારબાદ સ્પેશીયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટે આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કબજેદારોએ બાંધકામ તોડી પાડવાની નોટિસ અંગે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
બાંધકામ તોડી પાડતા અરજદારે કરી અરજી :આ કેસની સુનાવણી હાઇકોર્ટ રાખવામાં આવી હતી. જોકે, સુનાવણી પહેલા જ નવેમ્બર માસમાં હાલોલ નગરપાલિકા દ્વારા મિલકત તોડી પાડવામાં આવી હોવાની રજૂઆત અરજદાર દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવી. અરજી સાંભળ્યા પછી ગુજરાત હાઇકોર્ટે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી માટે નોટિસ પાઠવવામાં આવી હતી.
અદાલતના તિરસ્કાર બદલ કોર્ટે કરી કાર્યવાહી :આ મુદ્દે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, મ્યુનિસિપાલિટી દ્વારા ખોટી ઉતાવળ કરીને મનસ્વી રીતે આખરી કાર્યવાહી કરવામાં આવી હતી, જે અદાલતના તિરસ્કાર છે. ચીફ ઓફિસર કોર્ટમાં હાજર થયા અને પોતાના જવાબ દાખલ કર્યો હતો. જોકે, હાઇકોર્ટે અવલોકન કર્યું કે અધિકારીઓએ તેની કાર્યવાહીને ઓવર રીંચ કરી હતી. આથી અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
હાલોલ નગરપાલિકા અને અધિકારીને દંડ :આ કેસની સુનાવણી દરમિયાન ખંડપીઠે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને નગરપાલિકાને 4 અઠવાડિયાના સમયમાં હાઇકોર્ટની રજિસ્ટ્રીમાં 50,000 નો દંડ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. આ સિવાય ગુજરાત હાઇકોર્ટે ખોટી એફિલેટેડ દાખલ કરવા બદલ ડેપ્યુટી કલેકટર પાસે પણ ખુલાસો માંગ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટનો આદેશ :હાઈકોર્ટે આ મામલે નોંધ્યું હતું કે, અધિકારીઓ દ્વારા અદાલતની કાર્યવાહીથી ઉપરવટ જઈને અદાલતનો અનાદર કરવામાં આવ્યો હતો. આ કેસમાં ચુકાદો હજુ આવ્યો નથી અને કેસ નિર્ણય માટે પેન્ડિંગ છે. સાથે જ હાઇકોર્ટે આ કેસની ફાઈલને સુરક્ષિત કસ્ટડીમાં રાખવાનો આદેશ પણ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 18 ડિસેમ્બરે કરવામાં આવશે.
- 'પોલીસ ભરતી માટે રિક્રુટમેન્ટ કેલેન્ડર બનાવો', હાઇકોર્ટનો સરકારને આદેશ
- આજીવન કેદ પામેલા આરોપીના જામીન મંજૂર, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો