સુરત : હાલમાં જ સુરતના કેનાલ રોડ સ્થિત લક્ષ્મી નારાયણ ફાર્મ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અજેન્દ્રપ્રસાદજીની આજ્ઞાથી અને નૃગેન્દ્રપ્રસાદજીની નિશ્રામાં યોજાયેલા આ મહાપ્રસાદના કાર્યક્રમમાં 1 લાખથી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
સુરતમાં ભવ્ય શાકોત્સવ : એસપી સ્વામીએ જણાવ્યું કે, જેમ દેશમાં મહાકુંભ યોજાય છે, તેમ સુરતમાં આ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદ બનાવવા માટે 10 વિશાળ ચૂલા તૈયાર કરાયા હતા, જેમાં 1 હજાર મણ લાકડાનો ઉપયોગ થયો હતો.
1 લાખ રોટલા અને 20 હજાર કિલો રીંગણનું શાક : આ વિશાળ આયોજનમાં 2,000થી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી. શાકોત્સવમાં 12 હજાર કિલો બાજરીના લોટમાંથી 1 લાખ રોટલા બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 20 હજાર કિલો રીંગણાનું શાક, 10 હજાર કિલો ખીચડી, 3 હજાર કિલો ટામેટા, 500 કિલો કોબીજ, 200 કિલો વટાણા, 200 કિલો ફ્લાવર અને 100 કિલો ગાજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ : આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતા હોવાથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત શિક્ષાપત્રીનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.