અમદાવાદ:10 નવેમ્બરના રોજ બોપલ પોલીસ સ્ટેશનની હદમાં MBAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની સમાન્ય બાબતમાં હત્યા કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીની હત્યા કરવાનો આરોપ અન્ય કોઈ નહીં પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયાર પર લાગ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને પંજાબમાંથી પકડી પાડવામાં આવ્યો હતો અને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે તેને રજૂ કરીને તેના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા વિરેન્દ્ર પઢેરીયાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે આગામી 25મી નવેમ્બરે બપોરે 3 વાગ્યા સુધી આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા પોલીસ રિમાન્ડમાં રહેશે.
10 દિવસના રિમાન્ડ દરમિયાન આ દિશામાં પૂછપરછ કરાશે
હવે 10 દિવસની પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા વિરેન્દ્રસિંહ પઢેરીયાની પૂછપરછ કરવામાં આવશે. જેમાં આરોપી દ્વારા કયા હેતુથી આ કૃત્ય કરવામાં આવ્યું હતું? અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાયેલા હતા કે કેમ? આરોપીને પંજાબ ભાગવા માટે કોના-કોના દ્વારા મદદ કરવામાં આવી? બે વખત સસ્પેન્ડ થયા પછી પણ પોલીસ કર્મી કેમ ફરજ બજાવતો હતો? ઘટના વખતે તેના દ્વારા કોઈ કેફી પીણાંનું સેવન કરવામાં આવ્યું હતું કે કેમ? સહિતના પ્રશ્નોના જવાબ આ રિમાન્ડ દરમિયાન પોલીસ મેળવવાનો પ્રયાસ કરશે.