મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરે એક અજાણ્યા વ્યક્તિએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ચોરેને રોકવાના પ્રયાસમાં એક્ટર સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ ઘટના મોડી રાત્રે 2 થી 3:30 દરમિયાન બની હતી. અભિનેતા સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક્ટરની સ્થિતિને જોતા તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી અને સર્જરી બાદ હાલમાં ડોક્ટર્સે તેના હેલ્થ પર અપડેટ આપી છે.
સૈફની તબિયત હવે કેવી છે?
સૈફ અલી ખાન સર્જરી બાદ ખતરાની બહાર છે. હાલમાં તે સ્વસ્થ થઈ રહ્યો છે અને ડોકટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પરિવારના તમામ સભ્યો સુરક્ષિત છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મુંબઈ પોલીસ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે."
સૈફ અલી ખાનની ટીમે કહ્યું, "અમે ડૉ. નીરજ ઉત્તમાણી, ડૉ. નીતિન ડાંગે, ડૉ. લીના જૈન અને લીલાવતી હૉસ્પિટલની ટીમનો આભાર માનવા માંગીએ છીએ. આ સમય દરમિયાન તેમના તમામ શુભેચ્છકોની પ્રાર્થના અને સમર્થન માટે આપ સૌનો આભાર."
છરી વડે 6 વખત હુમલો કરાયો
હુમલામાં ઘાયલ થયેલા અભિનેતા સૈફ અલી ખાનની સારવાર કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે, તેના પર છરી વડે 6 વાર કરવામાં આવ્યા હતા. આમાંથી બે ઘા કરોડરજ્જુની નજીક ખૂબ ઊંડા છે. લીલાવતી હોસ્પિટલના સીઈઓ ડૉ. નીરજ ઉત્તમાનીએ જણાવ્યું હતું કે, "સૈફને સવારે 3:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈન અને એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. નિશા ગાંધીના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમે તેની સર્જરી કરી હતી."
બાંદ્રા સ્થિત ઘરમાં ચોરીનો પ્રયાસ
સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘર 'સતગુરુ શરણ'માં એક ચોંકાવનારી ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સૈફ અલી ખાનના ઘરમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં ઘોંઘાટને કારણે ઘરનો સ્ટાફ જાગી ગયો હતો એવામાં બેડરૂમમાં સૂતેલો સૈફ અલી ખાન ઘરના નોકરોની ચીસો સાંભળીને જાગી ગયો. તે બહાર આવ્યો. આ પછી, પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે ચોરી કરવા આવેલા અજાણ્યા વ્યક્તિ અને અભિનેતા સૈફ અલી ખાન વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ મારપીટ દરમિયાન અજાણ્યા ઇસમે તેની પાસેથી છરી કાઢીને સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો.