મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘૂસી ગયો હતો અને સૈફ પર ચપ્પુ વડે હુમલો કર્યો ત્યારે તેને ઈજા થઈ હતી. આ બનાવ અંગે વિસ્તૃત માહિતી મળી શકી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે લગભગ 2:30 વાગ્યે બની હતી, જ્યારે અભિનેતા તેના પરિવારના અન્ય સભ્યો સાથે ઘરમાં સૂઈ રહ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, ઘરમાં હાજર લોકો જાગી ગયા બાદ ચોર સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે. બાંદ્રા પોલીસ FIR નોંધવાની પ્રક્રિયામાં છે અને ગુનેગારને પકડવા માટે અનેક પોલીસ ટીમો બનાવવામાં આવી છે.
મીડિયા અહેવાલો અનુસાર, એક વરિષ્ઠ IPS અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે, સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પણ આ ઘટનાની સમાંતર તપાસ કરી રહી છે.
સૈફ અલી ખાનનું નિવેદન
અભિનેતા સૈફ અલી ખાને સત્તાવાર નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે તેમના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં તેની સર્જરી ચાલી રહી છે. તેમણે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરી કારણ કે આ મામલો પોલીસ તપાસ હેઠળ છે અને અપડેટનું વચન આપ્યું હતું.
આ દરમિયાન, મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે, સવારે 4 વાગ્યે બની હતી. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ બંને સૈફ અલી ખાનના ઘરે છે અને સીસીટીવી ફૂટેજની મદદથી તેને શોધી રહી છે. સૈફના નોકરે ચોરને પકડવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન સૈફ જાગી ગયો.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અભિનેતા સૈફ અલી ખાનના ઘરે એક અજાણ્યો વ્યક્તિ ઘૂસ્યો, અભિનેતા અને ઘૂસણખોર વચ્ચે ઝપાઝપી થઈ, અભિનેતા ઘાયલ થયો અને તેની સારવાર ચાલી રહી છે અને તપાસ પણ ચાલી રહી છે.' મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત સૈફ અલી ખાનના ઘરે તૈનાત છે.
સંજોગવશાત, સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરે ઘટનાના કલાકો પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર કરિશ્મા કપૂર, સોનમ કપૂર અને રિયા કપૂર સાથે રાતની એક તસવીર શેર કરી હતી. જોકે લૂંટના સમયે કરીના ઘરે હતી કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ તેણે બુધવારની રાત તેના નજીકના મિત્રો સાથે વિતાવી હતી.
આ પણ વાંચો: