ભુજ: ભુજના પ્રાગમહેલ ખાતે ભારતીય લિપિઓ અને હસ્તપ્રત વિજ્ઞાન પર ત્રિદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના વિદ્યાર્થીઓને ભારતની પ્રાચીન લિપિઓ અને હસ્તપ્રત અંગે અવગત કરવા માટે આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને વિદ્યાર્થીઓને જુદી જુદી લિપિઓ અને હસ્તપ્રત શું હોય, કેવા હોય વગેરેના નમૂનાઓ પણ પ્રદર્શિત કરીને સમજાવવામાં આવ્યું હતું.
લિપિવિદ્યા અને હસ્તપ્રત વિજ્ઞાનના મૂળતત્ત્વોથી માહિતગાર કરતી કાર્યશાળા
પ્રાચીન ભારતીય વારસાનું જતન કરવા કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત શ્રી હમીરજી રત્નું લોક સાહિત્ય કેન્દ્ર તથા તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ દ્વારા જાન્યુઆરી 16 થી 18 દરમિયાન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના જ્ઞાનવારસા તરીકે મહાન યત્નપૂર્વક સુરક્ષિત રહેલ હસ્તપ્રતોને જનસાધારણ સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે લિપિવિદ્યા અને હસ્તપ્રત વિજ્ઞાનના મૂળતત્ત્વોથી માહિતગાર કરતી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં તજજ્ઞોનું માર્ગદર્શન,હસ્તપ્રતોનું પ્રદર્શન તેમજ જ્ઞાનભંડારોની રૂબરૂ મુલાકાત જેવા આયામોને આવરી લેવામાં આવશે.
પ્રાચીન ભારતીય લિપિઓ
ભારતના ઇતિહાસમાં પ્રાચીન ભારતીય લિપિઓનો ઉપયોગ લેખન પ્રણાલી તરીકે કરવામાં આવ્યો છે . ભારતીય ઉપખંડમાં વિવિધ અલગ-અલગ ભાષાકીય સમુદાયોનો સમાવેશ થાય છે, જેમાંથી દરેક એક સામાન્ય ભાષા અને સંસ્કૃતિ ધરાવે છે. પ્રાચીન ભારતના લોકોએ ઘણી લિપિમાં લખી હતી જેમાં મોટાભાગે સામાન્ય મૂળ હોય છે.જેમાં સિંધુ, બ્રાહ્મી, ગુપ્ત,ખરોસ્થિ, તિબેટીયન, શારદા જેવી અનેક લિપિઓ હતી.ત્યાર બાદ ઉર્દૂ, મલયાલમ, ટકરી,તેલુગુ, મિથાઈ ,ખેમર, લિનીયાર, સાયપ્રસ, લાયતીન, ઇપચા, લુનિયાન, માયા, બ્લોસ, કંદન જેવી લિપિઓ પણ આવી.
કપડા, શિલાલેખ, પાળીયાઓમાં, સિક્કાઓમાં પણ લિપિ
આ ઉપરાંત કપડા પર અક્ષરોની છપાઈ માટે બ્લોક વપરાતા હતા તો ઠેર ઠેર પાળીયાઓમાં પણ લિપિઓ હતી, તેમાં પણ ઘણી વિવિધતા જોવા મળતી હતી. તો કચ્છમાં વપરાતા ચલણી સિક્કા ઉપર પણ જુદી જુદી લિપિઓ જોવા મળતી હતી. જેમાં ફારસી અને નાગરી લિપિ પણ જોવા મળતી હતી.
હડપ્પન લિપિ
સિંધુ લિપિ કે જે હડપ્પન લિપિ તરીકે પણ ઓળખાય છે, એ સિંધુ ખીણની સંસ્કૃતિ દ્વારા હડપ્પા અને કોટ ડીજીમાં ઉત્પાદિત પ્રતીકોનો સમૂહ છે. આ પ્રતીકો ધરાવતા મોટા ભાગના શિલાલેખો અત્યંત ટૂંકા હોય છે, જેના કારણે એ નક્કી કરવું મુશ્કેલ બને છે, કે આ પ્રતીકો કોઈ ભાષાને રેકોર્ડ કરવા માટે વપરાતી લિપિની રચના કરે છે કે નહીં, અથવા તો લેખન પ્રણાલીનું પ્રતીક પણ છે.
બ્રાહ્મી લિપિ
બ્રાહ્મી લિપિ એ પ્રાચીન ભારતની સર્વાંગપૂર્ણ વિકસિત લિપિ છે, 0આ લિપિના પ્રાચીનતમ નમૂનાઓ મૌર્ય સમ્રાટ અશોક(ઈ.પૂ. 268–ઈ.પૂ. 231)ના અભિલેખોમાં મળે છે. 64 લિપિઓની સૂચિમાં પ્રથમ નામ બ્રાહ્મી લિપિનું મૂકેલું હોઈ તે પ્રાચીન ભારતની મુખ્ય લિપિ હોવાનું પ્રતીત થાય છે. પ્રાચીન ભારતની સર્વાંગપૂર્ણ વિકસિત લિપિ એટલે બ્રાહ્મી લિપિ જેમાં શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, મુદ્રાઓ, મૂર્તિઓના નામ, મંદિરોમાં લેખો, તકતીઓ વગેરેના અભ્યાસ પરથી બ્રાહ્મીનું સ્વરૂપ અને તેનો વિકાસ તારવી શકાયો છે.
ગુપ્ત લિપિ
ગુપ્ત લિપિ ગુપ્ત બ્રાહ્મી લિપિ અથવા લેટ બ્રાહ્મી લિપિ તરીકે ઓળખાય છે. સંસ્કૃત લખવા માટે ઉપયોગમાં લેવાતી હતી અને તે ભારતના ગુપ્ત સામ્રાજ્ય સાથે સંકળાયેલી છે , જે ભૌતિક સમૃદ્ધિ અને મહાન ધાર્મિક અને વૈજ્ઞાનિક વિકાસનો સમયગાળો હતો. ગુપ્ત લિપિ બ્રાહ્મીમાંથી ઉતરી આવી હતી અને તેણે નાગરી , શારદા અને સિદ્ધમ લિપિને જન્મ આપ્યો હતો. આ લિપિઓ બદલામાં ભારતની ઘણી મહત્વપૂર્ણ લિપિઓને જન્મ આપ્યો, જેમાં દેવનાગરી કે જે 19મી સદીથી સંસ્કૃત લખવા માટે વપરાતી સૌથી સામાન્ય લિપિ હતી, પંજાબી માટે ગુરુમુખી લિપિ , બંગાળી-આસામી લિપિ અને તિબેટીયન લિપિનો પણ સમાવેશ થતો ગયો.
તિબેટીયન લિપિ
તિબેટીયન લિપિ એ ભારતીય મૂળની ખંડીય લેખન પ્રણાલી છે, જેનો ઉપયોગ અમુક તિબેટીક ભાષાઓ લખવા માટે થાય છે જેમાં તિબેટીયન , ઝોંગખા , સિક્કિમીઝ , લદાખી , જીરેલ અને ક્યારેક બાલ્ટીનો સમાવેશ થાય છે. તિબેટ સાથે ગાઢ સાંસ્કૃતિક સંપર્કમાં કેટલીક બિન-તિબેટીક ભાષાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે થકાલી.આ લિપિ ભારત , નેપાળ , ભૂતાન અને તિબેટના વિસ્તારોમાં ફેલાયેલી વ્યાપક વંશીય તિબેટીયન ઓળખ સાથે ગાઢ રીતે જોડાયેલી છે . તિબેટીયન લિપિ ગુપ્ત લિપિમાંથી બ્રાહ્મિક મૂળની છે અને તે મેઇતેઈ , લેપ્ચા , માર્ચેન અને બહુભાષી ફાગ્સ-પા લિપિ જેવી લિપિની પૂર્વજો છે .
શારદા લિપિ
શારદા , સારદા અથવા શારદા લિપિ એ બ્રાહ્મિક પરિવારની લિપિની અબુગીદા લેખન પદ્ધતિ છે . સંસ્કૃત અને કાશ્મીરી લખવા માટે આ લિપિ 8મી અને 12મી સદીની વચ્ચે ભારતીય ઉપખંડના ઉત્તરપશ્ચિમ ભાગોમાં વ્યાપક હતી. મૂળરૂપે વધુ વ્યાપક, તેનો ઉપયોગ પાછળથી કાશ્મીર પૂરતો મર્યાદિત બન્યો, અને હવે કાશ્મીરી પંડિત સમુદાય સિવાય ધાર્મિક હેતુઓ માટે તેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે.
હસ્તપ્રત માતૃભાષાગ્રંથો હાથ વડે લખાયેલ એક વિશેષ લખાણ
આ ઉપરાંત અહીં પ્રાચીન હસ્તપ્રત પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, હસ્તપ્રત માતૃભાષાગ્રંથો હાથ વડે લખાયેલ એક વિશેષ લખાણ છે. હસ્તપ્રત છે તે હસ્ત્રપતિ તેમજ લિપિગ્રંથ તરીકે પણ જાણીતું છે. અંગ્રેજી ભાષામાં તેને Manuscript કહેવામાં આવે છે. હસ્તપ્રત MS અથવા MSS જેવા સંક્ષેપ નામો દ્વારા પણ ઓળખાય છે. ગુજરાતી ભાષામાં હસ્તપ્રત 'હસ્તલેખન', 'હસ્તાક્ષર' જેવા નામથી ઓળખાય છે.
વિવિધ હસ્તપ્રતોનો પણ સંગ્રહ
ભુજના પ્રાગ મહેલમાં પણ વિવિધ હસ્તપ્રતોને પણ સંગ્રહી રાખવામાં આવ્યા છે. તો હસ્તપ્રત ટીપણું ફીડલા સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ હસ્તપ્રતો 1 પાનાથી લઈને 4 પાના સુધીના હોય છે. સૌથી વિશેષ કચ્છને આધારિત લિપિઓ અને હસ્તપ્રતના કેટલાક નમૂના કે જે ઐતિહાસિક છે તે અહીં મૂકવામાં આવ્યા છે. જ્યોતિષ અને ખગોળ પર પણ હસ્તપ્રત રાખવામાં આવી છે. ભારતની લિપિઓના કેટલાક નમૂનાઓ અને બારાખડી, અક્ષરો પણ રાખવામાં આવી છે.
વિવિધ મહાનુભાવો કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યાં
આ કાર્યશાળામાં રાજ પરિવારના સભ્યો, કચ્છના સાંસદ, ભુજ મતવિસ્તારના ધારાસભ્ય, રાજકોટ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના જે.એમ.ચંદ્રવાડીયા, કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ ડો. અનિલ ગોર, કુલપતિ ડો. મોહન પટેલ ભુજ હમીરજી રત્નું લોકસાહિત્ય કેન્દ્રના પ્રોફેસર કાશ્મીરા મહેતા, તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝના ડૉ. પંકજ ઠાકર,તેમજ ઇતિહાસકારો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.