ભાવનગર: ગુજરાતીઓમાં ભોજન બાદ મુખવાસ લેવાની પરંપરા ચાલતી આવી છે, એમા પણ ઘણા લોકો ભોજન બાદ મુખવાસના બદલે અચુક વરીયાળીનું સેવન કરે છે. જોકે વરીયાળી મુખવાસ પૂરતી સીમિત નથી. વરીયાળીમાં અનેક ઔષધીય ગુણો રહેલાં છે જેના અલગ-અલગ આરોગ્યલક્ષી ફાયદા છે. ઈટીવી ભારતે ભાવનગર સ્થિત આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગના પ્રાધ્યાપક સાથે વરીયાળીના મહત્વ અને તેના ફાયદાઓ વિશે વાત કરી હતી.
માનવ શરીર માટે વરિયાળીનું મહત્વ
ગરમીનો એહસાસ શરૂ થઈ ગયો છે. શરીરના તાપમાનને સાચવવા લોકો ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપતા હોય છે. જોકે, આકરી ગરમી વચ્ચે ગરમીથી બચાવવાનું કામ વરીયાળી પણ કરે છે. ગુજરાતમાં વરીયાળીનો વધુ ઉપયોગ મુખવાસમાં થાય છે. વરીયાળીનું સેવન અને તેના ફાયદા તેમજ વરીયાળાના મહત્વને લઈને ઈટીવી ભારતે ભાવનગરની શેઠ જી આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગના પ્રાધ્યાપક સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, વરીયાળીનો ઉપયોગ તો ગુજરાતમાં લોકો કરે જ છે. ખાસ કરીને ભોજન બાદ વરીયાળીનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. જે ખૂબ સારું કહેવાય અને હું પણ કહું છું કે રોજ વરીયાળીનું સેવન કરવું જ જોઈએ.
વરીયાળીના આરોગ્યલક્ષી ફાયદા
ભાવનગરની શેઠ જી આયુર્વેદ કોલેજના દ્રવ્ય ગુણના પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડે જણાવ્યું હતું કે, વરીયાળી હલકી હોય છે, તેનો સ્વાદ મધુર હોય છે, અને તે ખાવામાં સહેજ છેલ્લે કડવી લાગે છે અને તેની તાસીર ઠંડી હોય છે. શરીરમાં ક્યાંય હાથમાં પગમાં બળતરા થતી હોય તો ત્યાં કામ આપે છે. છાતીમાં પણ બળતરા થતી હોય ત્યારે પણ કામ લાગે છે. આ સાથે વધારે ગરમી હોય ત્યારે પણ વરિયાળી પોતાની ભૂમિકા ભજવે છે. વધુ તરસ લાગી હોય તો પણ વરિયાળી તરસ છુપાવે છે. આમ ગરમીના સમયમાં તે વધુ ઉપયોગી થાય છે.

વરીયાળીમાં રહેલા ઔષધીય ગુણધર્મો
ભાવનગર શહેરમાં ગરમીની શરૂઆતમાં અનેક સ્થળો ઉપર વરિયાળીના શરબત મળે છે, ત્યારે શેઠ જી આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગના પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, વરીયાળી લાળ વધારવાનું પણ કામ કરે છે અને પાચનનું પણ કામ કરે છે. વરીયાળીને જોઈએ તો તેમાં ઉડનશીલ તેલ, વોલેટાઇલ તેલ, આયોડિન, વિટામીન B કોમ્પ્લેક્સ, નિયરસીન, થાયમીન, વિટામીન A પણ વધુ પ્રમાણમાં હોય છે અને વિટામિન C પણ હોય છે. આ સાથે એનેથોલ વોલેટાઇન ઓઇલ મહત્વનું કામ કરે છે. વરીયાળીથી ગમે તેવું ભોજન હોય તેનું પાચન થઈ જાય છે.

વરીયાળીનો ઉપયોગ અને મહત્વ
ભાવનગર જ નહીં પણ ગુજરાતમાં અથાણું, શાક વગેરેમાં વરીયાળીનો ઉપયોગ થાય છે. ત્યારે નીલમબાગ સર્કલમાં લારી લઈને ઉભા રહેતા પ્રીતમભાઈ સાથે વાતચીત કરતા તેમને મૌખિક જણાવ્યું હતું કે, તેઓ 10 રૂપિયાનો વરીયાળીના શરબતનો ગ્લાસ વેંચે છે. ઉનાળો આવતા વરીયાળીના શરબાતની ખૂબ માંગ વધી જાય છે.

જિલ્લા બાગાયત વિભાગના અધિકારી એમ.બી.વાઘમસીએ આ અંગે જણાવ્યું હતું કે, વરીયાળીનું વાવેતર જિલ્લામાં થાય છે. ગત વર્ષ 2023-24માં 501 જેટલા ખેડૂતોએ 88 હજાર હેકટરમાં વરીયાળીનું વાવેતર કર્યું હતું. જેનું ઉત્પાદન સારું થતા સારા ભાવ પણ મળે છે. અંદાજે રીટેલમાં વરીયાળી 400 થી 500 કિલો વેંચાય છે. આમ વરીયાળીનું મહત્વ ખૂબ રહેલું છે.
(ડિસ્ક્લેઈમર: વરીયાળીનું સેવન અને તેનાથી થતા ફાયદા અને અંગે કરવામાં આવેલ દાવાઓ જે તે સંસ્થાન કે વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હોઈ શકે છે. જેનું સમર્થન ETV BHARAT કરતું નથી. જેની વાચકોએ નોંધ લેવી.)