નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. આ મેળામાં પુણ્યનું ભાથું બાંધવા દેશભરમાંથી સાધુ, સંતો અને મહંતો પધાર્યા છે, જેમાં કેટલાં સાધુ-બાબાઓની ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે, તેમાંથી જ એક છે. IIT બાબા. ચર્ચાના કેન્દ્રમાં છવાયેલા આ IIT બાબાનું સાચું નામ અભય સિંહ છે. તેઓ મૂળ હરિયાણાના હિસારના છે. તેમણે આઈઆઈટી મુંબઈમાંથી એરોસ્પેસમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો અને સંસારીક જીવનનો ત્યાગ કર્યો.
પ્રયાગરાજ મહાકુંભમાં તેઓ જુના અખાડા વતી આવ્યા છે. જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ અખાડા સાથે સંબંધ ધરાવે છે, તો તેમણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ મુક્ત છે અને માત્ર મહાકુંભ જોવા, સમજવા અને અનુભવ કરવા માટે આવ્યા છે.
અભય સિંહ પોતાને કોઈ ઋષિ, સંત કે મહંત માનતા નથી. તેમણે કહ્યું કે તેમણે હજી સુધી દીક્ષા લીધી નથી અને તે પોતાને કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલ નથી માનતા. એક ચેનલ સાથે વાત કરતા અભય સિંહે કહ્યું કે તે સ્વતંત્ર છે અને કંઈ પણ કરી શકે છે.
When you break the matrix of external illusion to embrace inner awakening 🙌
— Rishi Bagree (@rishibagree) January 15, 2025
pic.twitter.com/WPh5aXeUU3
પોતાના ભૂતકાળ વિશે તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ IITમાં ભણતા હતા ત્યારે તેના મનમાં વારંવાર એ સવાલ આવતો હતો કે આ પછી હું શું કરીશ. વધુમાં વધુ, હું કોઈ કંપનીમાં જોડાઈશ અને પૈસા કમાઈશ, પણ તેનાથી મને શાંતિ તો નહીં મળી શકે.
તેમણે ANI મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મેં જીવનની ખોજ શરૂ કરી, સંસ્કૃત કોણે લખ્યું, તે કેવી રીતે લખાયું અને ક્યારે રચાયું અને શા માટે સંસ્કૃત આટલી વિશેષ છે... હું જ્ઞાનની શોધ કરી રહ્યો હતો... બાદમાં તે બદલાઈ ગયું... પછી પ્રશ્ન એ હતો કે મન કેવી રીતે કાર્ય કરે છે અને તમે અનિચ્છનીય વિચારોથી કેવી રીતે છુટકારો મેળવી શકો..."
અભય સિંહે કહ્યું કે ડિગ્રી મેળવ્યા દરમિયાન અને પછી તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા, તેમના મનમાં જીવનની સત્યતા વિશે ઘણા પ્રશ્નો હતા, પરંતુ તેનો કોઈ જવાબ આપી રહ્યું ન હતું. બાદમાં તેઓ ઈસ્કોનમાં જોડાયા. તેમને લાગ્યું કે અહીં આવીને તેઓ જીવનને સમજી શકશે. તેમણે કૃષ્ણ વિશે ઘણો અભ્યાસ કર્યા.
#WATCH | Prayagraj, UP: #MahaKumbh2025 | Baba Abhay Singh who is from Juna Akhada and was also an IIT student once, says, " i come from haryana, i went to iit, then changed to arts from engineering, that also didn't work so i kept changing and later i arrived at the final truth.… pic.twitter.com/Li6EwgCXbU
— ANI (@ANI) January 15, 2025
એક ચેનલ સાથે વાત કરતા અભય સિંહે કહ્યું કે, તેમના જીવનમાં તે જ સમયે અલગતાનો અહેસાસ શરૂ થયો જ્યારે તેણે પોતાના ઘરમાં તેના માતા-પિતા વચ્ચેની લડાઈ જોઈ. તેમણે વિચાર્યું કે લડવું જ હતું તો લગ્ન કેમ કર્યા?
અભય સિંહ કહે છે કે તેમની એક ગર્લફ્રેન્ડ પણ હતી. પરંતુ તેમણે તેનાથી પણ અંતર જાળવીને પોતાનો રસ્તો પસંદ કર્યો. તેઓ મોક્ષના સત્યની શોધમાં આગળ વધતા ગયા. અભયના ગુરુ સંત બાબા સોમેશ્વર છે. રસપ્રદ વાત એ છે કે બાબા સોમેશ્વરે ભારતીય વાયુસેનામાં ફોટોગ્રાફી કરી ચુક્યા છે.
બાબા સોમેશ્વરનો ઈન્ટરવ્યુ પણ અલગ-અલગ ચેનલો પર બતાવવામાં આવ્યો છે. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે અભય ખૂબ જ બુદ્ધિશાળી સંત છે, તેણે પહેલા પ્રયાસમાં જ આઈઆઈટી પાસ કરી લીધી હતી, પરંતુ તેને ડિગ્રી માફક ન આવી, તેમના જીવનનો હેતું કંઈક અલગ છે અને તેનો સૌ કોઈ નથી સમજી શકતા, તેઓ ખુદને પણ મુક્ત કરવા ઈચ્છે છે.
તેથી જ અભય સિંહ કહે છે કે તે વાસ્તવમાં શરીર વિના રહેવા માંગે છે અને તેની ખરી કસોટી જ આ છે કે તે આ માર્ગ પર ટકી શકે છે કે નહીં, તેમનું કહેવું છે કે જો તેઓ આ પરીક્ષામાં પાસ થઈ ગયા તો ઠીક છે, અને જો પાસ નહીં થાય તો આગળ જે થશે તે જોઈ લેશે.