ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુમાં ભારે વરસાદ, રાજ્યના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે 'ફેંગલ' વાવાઝોડું - WEATHER NEWS

ચક્રવાત 'ફેંગલ' તમિલનાડુના દરિયાકાંઠે પહોંચવાનું છે, ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તમિલનાડુમાં ભારે વરસાદ
તમિલનાડુમાં ભારે વરસાદ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2024, 6:24 PM IST

ચેન્નાઈ:ચક્રવાતી તોફાન 'ફેંગલ' શનિવારે દિવસ દરમિયાન પોંડિચેરીની નજીક પહોંચવાની ધારણા છે અને તે દરિયાકાંઠા તરફ આગળ વધ્યું છે. ઉત્તર તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. તમને જણાવી દઈએ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારની રાત્રે છૂટોછવાયો અને પછી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઉપનગરીય ક્રોમપેટમાં સરકારી હોસ્પિટલ સંકુલના ભાગો સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણી જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા હતા.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાજ્યના કટોકટી કેન્દ્રમાં ટોચના અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બાદમાં તેમણે પત્રકારોને જણાવ્યું કે, તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. જે વિસ્તારોમાં વધુ નુકસાન થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં લોકો માટે કેમ્પ લગાવવામાં આવ્યા છે અને લોકોને ભોજનનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ પમ્પિંગ સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું. ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્જિનિયરો, અધિકારીઓ અને સફાઈ કામદારો સહિત 22,000 કર્મચારીઓ ફરજ પર છે અને 25-એચપી (હોર્સપાવર) અને 100-એચપી સહિત વિવિધ ક્ષમતાના કુલ 1,686 મોટર પંપ ઉપયોગમાં છે. 484 ટ્રેક્ટર માઉન્ટેડ પંપ અને 100-એચપી ક્ષમતાના 137 પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે.

સુરક્ષા કારણોસર ચેન્નાઈ એરપોર્ટ કામગીરી સ્થગિત: ચક્રવાત ફેંગલ આજે સાંજે તમિલનાડુમાં લેન્ડફોલ કરે તેવી ધારણાઓ કરવામાં આવી રહી છે. ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ જતી અને આવતી અનેક ફ્લાઈટોને અસર થઈ છે. આ મુદ્દે ચેન્નાઈ એરપોર્ટની 'X' પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 'IMD ના અનુમાન મુજબ ચક્રવાતી તોફાન 'ફેંગલ' અને ઊંચા પવનને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર 30 નવેમ્બર (આજે) ના રોજ 12:30 કલાકથી 19:00 કલાક સુધી ચેન્નાઈ એરપોર્ટનું કાર્ય સ્થગિત કરવામાં આવશે.' ઉપરાંત મુસાફરોને ફ્લાઇટ્સ અંગે સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી હતી.

પરિસ્થિતિને પહોંચી વળવા યુદ્ધના ધોરણે કામ:જીસીસીએ જણાવ્યું હતું કે, 134 સ્થળોએ પાણી ભરાવાને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે અને વાવાઝોડાને કારણે પડી ગયેલા નવમાંથી પાંચ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. કુલ 22 બાયપાસમાંથી 21 પર ટ્રાફિક સુચારૂ છે. ગણેશપુરમ બાયપાસ રેલવે બ્રિજના કામોને લગતા કાર્યો માટે પહેલાથી જ બંધ કરવામાં આવ્યો છે.

નીચાણવાળા મદિપક્કમના ઘણા રહેવાસીઓએ નજીકના વેલાચેરી ફ્લાયઓવરની બંને બાજુએ તેમના વાહનો પાર્ક કર્યા હતા. તેવી જ રીતે અન્ય ઘણા વિસ્તારોના રહેવાસીઓએ પણ તેમના વાહનો સલામત સ્થળે પાર્ક કર્યા હતા. રસ્તાઓ મોટાભાગે નિર્જન રહ્યા હતા અને વિવિધ સ્થળોએ નાગરિક કામદારો, પોલીસ, ફાયર અને બચાવ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સંચાલિત પરિવહન નિગમો ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં મર્યાદિત સેવાઓનું સંચાલન કરે છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચેન્નાઈ ડિવિઝનના તમામ ઉપનગરીય વિભાગોમાં EMU ટ્રેન સેવાઓ આગામી સૂચના સુધી ઓછી ફ્રિક્વન્સી સાથે કામ કરશે. આ સંદર્ભમાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રેન (એક્સપ્રેસ/સુપરફાસ્ટ સહિત) સેવાઓને અસર થઈ નથી પરંતુ થોડો વિલંબ થયો છે. ચેન્નાઈ મેટ્રો રેલવે એ આ મુદ્દે કહ્યું કે, તેની સેવાઓ સરળતાથી ચાલી રહી છે. તેણે લોકોને ચોક્કસ સ્ટેશનો પરના પાર્કિંગ વિસ્તારો વિશે માહિતગાર કર્યા જ્યાં પૂરની સંભાવના છે.

એરપોર્ટ સત્તાવાળાઓએ બપોરે 12.30 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી તમામ કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. દરિયામાં મોજાઓ ખૂબ જ મજબૂત છે, તેથી પોલીસે મરિના અને મમલ્લાપુરમ સહિતના પ્રખ્યાત દરિયાકિનારા પર પ્રવેશને રોકવા માટે બેરિકેડ લગાવ્યા છે. સરકારી દૂધના પુરવઠા 'આવીન'ને અસર થઈ નથી અને મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો સામાન્ય છે. સરકારે પહેલેથી જ 30 નવેમ્બરે શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી દીધી હતી અને માહિતી ટેકનોલોજીના (IT) કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો:

  1. તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના, ચેન્નાઈ હવામાન કેન્દ્રના ડિરેક્ટરે આપ્યું મોટું અપડેટ
  2. ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી, જુઓ આગામી 3 દિવસ બાદ કેવું રહેશે તાપમાન

ABOUT THE AUTHOR

...view details