અમદાવાદ: 250 જેટલા મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો સાથે આજે ગુરુવારે અમદાવાદ પોલીસ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં એવા નશા કે જેમાં બાળકો, યુવાનો સહિતના નાગરિકો બરબાદ ના થાય તે માટે આ વ્યક્તિઓને તુરંત પોલીસની મદદ લેવા માટે તાકીદ કરી હતી. હાલમાં એવિલ ઈન્જેક્શન, નશાકારક દવાઓ, સોલ્યુશન ટ્યુબ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ અટકે અને આવી ખરીદી પ્રિશક્રીપ્શન વગર કરનારા અથવા માગનારા લોકોની વિગતો પોલીસ સુધી પહોંચાડવા અને તે વ્યક્તિઓને બરબાદ થતા અટકાવી સમાજની મદદ કરવાની પહેલ કરવામાં આવી છે.
નશો કરવાના અવનવા રસ્તા શોધે છે નશાખોરો
હાલમાં નશાકારક પદાર્થો પકડી પાડવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. જે અંતર્ગત લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય, ગુન્હેગારો પણ નશો કરનારની માંગ મુજબ જે એન.ડી.પી.એસ. એક્ટની વ્યાખ્યામાં આવતા ના હોય, તેવા મેડિકલ ટેબલેટ, ઇન્જેક્શન, સોલ્યુશન ટ્યુબ, વિગેરે જેવી નશા કારક ઝેરી વસ્તુઓ પણ વેચવા માંડતા હોય છે. તાજેતરમાં અમદાવાદ શહેર જેસીપી સેક્ટર 02, જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા ઈસનપુર વિસ્તારમાં રાખવામાં આવેલા ખાસ કોમ્બિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન મળેલી માહિતી આધારે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ આર.બી. તેલે તથા સ્ટાફ દ્વારા સોલ્યુશન ટ્યુબ અને એવિલ ઇન્જેક્શનનો જથ્થો તેમજ વટવા પીઆઈ પી.બી.ઝાલા, પીએસઆઈ અશ્વિન ગંધા તથા સ્ટાફ દ્વારા 12 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજો, જેની આંતર રાષ્ટ્રીય કિંમત 12 કરોડ રૂપિયા જેટલી થાય છે, જે પકડી પાડી, આરોપીઓની ધરપકડ કરી, ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
પોલીસને આપો જાણકારીઃ ઓળખ રહેશે ગુપ્ત
નશા કારક ઝેરી વસ્તુઓનો ઉપયોગ કરતા અટકાવવા તથા પકડી પાડવા માટે જે ડિવિઝન વિસ્તારના મણિનગર, ઈસનપુર, વટવા અને જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશન વિસ્તારના મેડિકલ સ્ટોરના ધારકો, સંચાલકો, વેપારીઓ, ડીલર, આશરે 250 જેટલા, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા, ચારેય પોલીસ સ્ટેશનના થાણા અમલદારો, પોલીસ ઇન્સ. ડી.પી. ઉનડકટ, આર.એમ.પરમાર, પી.બી.ઝાલા, બી.એસ.જાડેજા તથા સ્ટાફ તેમજ ફૂડ એન્ડ ડ્રગના અધિકારી ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એ.એસ.વ્યાસ દ્વારા એક મિટિંગ અને સેમિનારનું આયોજન જીઆઇડીસી ખાતેના વીઆઇ હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. એસીપી જાડેજાએ જણાવ્યું હતું કે, આ મિટિંગ/સેમિનારમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરના ધારકો, સંચાલકો, વેપારીઓને નશા કારક ટેબલેટ અને ઇન્જેક્શન પ્રિસ્ક્રીપશન વગર નહીં વહેંચવા, વધારે માત્રામાં ઇન્જેક્શન અને મેડિકલ ટેબલેટ લેતા ઈસમો બાબતે ખાનગીમાં જાણકારી આપવા જાણ કરવામાં આવી. ખાનગીમાં માહિતી આપતા મેડિકલ સ્ટોરના વેપારીઓના નામ ગુપ્ત રાખવામાં આવશે અને માહિતી આપનાર ને કાયદાકીય મદદ પણ કરવામાં આવશે, તેવી માહિતી આપવામાં આવી હતી. કોઈ મેડિકલ દવા અથવા ઇન્જેક્શનનો નશાકારક ચીજ વસ્તુની અવેજીમાં વાપરવામાં આવતો અને યુવાધનને નુકશાન અટકાવવાનો આ એક પ્રયાસ છે. જેમાં તમામ મેડિકલ વિક્રેતા, ફૂડ એન્ડ ડ્રગ ના અધિકારીઓ તથા તમાં પોલીસ અધિકારીઓને સહકાર આપવા તથા સંકલન રાખવા વિનંતી કરવામાં આવી હતી.
આ સંયુક્ત મિટિંગમાં ઉપસ્થિત આશરે 250 જેટલા મેડિકલ સ્ટોરના માલિકો, ધારકો, ડીલરો અને વિક્રેતાઓ પૈકી વેપારીઓ દ્વારા સૂચનો પણ આપવામાં આવ્યા હતા, જેનો પોલીસ અધિકારીઓ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં નશાનું નેટવર્ક તોડવા માટે કરવામાં આવેલા નવતર પ્રયોગને તમામ મિટિંગમાં ઉપસ્થિત આશરે 250 જેટલા મેડિકલ સ્ટોરના માલિકો, ધારકો, ડીલરો અને વિક્રેતાઓ, વેપારીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો અને વેપારીઓ દ્વારા પણ તમે દવાના વેપારીઓ છો, નશાના વેપારીઓ નથી એવું સૂત્ર આપી, પોલીસ સાથે સંકલન રાખવાની ખાત્રી આપતા, સેમિનાર એકંદરે સફળ રહ્યો હતો. અંતમાં પોલીસ અધિકારીઓ દ્વારા તમામનો આભાર માની, પરિણામલક્ષી કામગીરી કરી, સેમિનારનો હેતુ સર થાય અને યુવાધન નશાની ચુંગાલમાંથી બચી શકે, તેવી કાર્યવાહી કરવા જાણ કરવામાં પણ આવી હતી અને આવા નશો કરવાના ઉપયોગમાં લેતા કોઈપણ મેડિકલ પદાર્થનો ઉપયોગ કરતા ઈસમો બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવા જણાવવામાં આવ્યું છે.