કચ્છઃ થોડાક દિવસ અગાઉ ગુજરાતમાં લોક સાહિત્યના મોટા કલાકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે હવે તેમની તબિયત સારી છે. ત્યારે હવે જાણીતા લોકગાયક ઉમેશ બારોટની તબિયત લથડી છે અને તેઓ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હવે તેમની તબિયતમાં સુધારો હોવાના સમાચાર મળી રહ્યા છે.
લોકગાયક ઉમેશ બારોટની શૂટિંગ દરમિયાન તબિયત લથડી
પ્રખ્યાત લોકગાયક ઉમેશ બારોટ છેલ્લા 3-4 દિવસથી કચ્છના વિવિધ લોકેશન પર તેમની આવનારી ફિલ્મ કે જે કચ્છ પર આધારિત છે તેનું શૂટિંગ કરી રહ્યા છે. પરંતુ શુટિંગ દરમિયાન મોડી રાત્રે તબિયત ખરાબ થતા તેમને ભુજની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કચ્છના સફેદ રણમાં તેમજ ખારી નદી અને અન્યો સ્થળોએ આ ફિલ્મ માટે શૂટિંગ કરવા માટે કલાકાર ઉમેશ બારોટ કચ્છ આવ્યા હતા.
![ગાયક ઉમેશ બારોટની તબિયત લથડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-kutch-06-umesh-barot-photo-story-7209751_12022025150604_1202f_1739352964_171.jpg)
હૉસ્પિટલમાં સારવાર બાદ તબિયત સ્થિર
ઉમેશ બારોટના મેનેજર આશિષ રબારીએ Etv ભારત સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા 3-4 દિવસથી કચ્છમાં શૂટિંગ ચાલી રહ્યું છે અને વાતવરણમાં વિષમતા જોવા મળી રહી છે. ઠંડી અને ગરમી બન્નેનું પ્રમાણ અનુભવાઈ રહ્યું છે. તો સળંગ શૂટિંગના કારણે તબિયત બગડી હતી અને વાયરલ તાવ આવ્યો હતો અને વિવિધ રિપોર્ટ સહિતની સારવાર આપવામાં આવી હતી. હાલમાં ઉમેશ બારોટની તબિયત સારી થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે અને તેઓ પરત હોટલમાં આવી ગયા છે.