મનિષ ડોડિયા.જુનાગઢ: ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી લડતાં યુવાન પાસે એક બે ત્રણ ચાર નહીં પરંતુ એક સાથે 24 પદવી છે. વોર્ડ નંબર 10 ના ધવલ ધોળકીયા અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી જંગમાં નોંધાવી છે. જૂનાગઢના ઇતિહાસમાં આટલી બધી પદવી સાથે કોઈ ઉમેદવાર ચૂંટણી લડતો હોય તેવો આ પહેલો કિસ્સો છે. ધવલ ધોળકીયા માને છે કે રાજકારણમાં શિક્ષિત ઉમેદવારો આવે અને તેમની ઉમેદવારીથી શિક્ષિત લોકોને પ્રેરણા મળે તે માટે તેઓ ચૂંટણી જંગમાં જોવા મળે છે.
શીખવાની કોઈ ઉંમર નથી, એ તો માત્ર નંબર
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી છે. રવિવારે જૂનાગઢના નવા નગરસેવકો માટે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. ત્યારે આ વખતે જૂનાગઢના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત એક, બે, ત્રણ, ચાર, નહીં પરંતુ 24 પદવી ધરાવતા ઉમેદવાર ધવલ ધોળકિયા ચૂંટણી જંગમાં જોવા મળે છે. 24 પદવી મેળવનાર ધવલ ધોળકિયા આજે પણ અભ્યાસ કરી રહ્યા છે અને તેમની પીએચડી ની પદવી પણ થોડા જ સમયમાં તેમને મળવા જઈ રહી છે ત્યારે પદવી આ સંખ્યા 25 એ પહોંચશે આટલી સફળ શૈક્ષણિક કારકિર્દી ધરાવનાર અપક્ષ ઉમેદવાર ધવલ ધોળકિયા જૂનાગઢના ચૂંટણી ઇતિહાસમાં કદાચ એવા પહેલા ઉમેદવાર હશે કે જેમની પાસે આટલી બધી પદવીઓનો બંચ જોવા મળે. આધુનિક રાજકારણમાં શિક્ષિત અને યુવાનો પોતાની જાતને દૂર રાખી રહ્યા છે, આવા સમયે પ્રત્યેક શિક્ષિત યુવાન સક્રિય રાજકારણમાં આવીને ચૂંટણી જંગમાં જંપલાવે તેવી પ્રેરણા મળે તે માટે પણ તેઓ આ વખતના ચૂંટણી જંગમાં જોવા મળે છે.
![ચૂંટણી પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-jnd-01-election-vis-01-byte-01-pkg-7200745_12022025073954_1202f_1739326194_464.jpg)
પોલિટિકલ સાયન્સ ઇકોનોમિક્સ અંગ્રેજી અને MBAની પદવીઓ
અપક્ષ ઉમેદવાર ધવલ ધોળકિયા પાસે બી.બી.એ, એમ.બી.એ, એમ.એ.પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ, અંગ્રેજી માધ્યમમાં કોમર્સ, જર્નાલિઝમ, સ્પેશિયલ એલએલબી, પી.જી.ડી.સી.એ સહિત અલગ અલગ 24 જેટલી પદવીઓ ધરાવે છે. આ તમામ પદવીઓ તેમણે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પ્રાપ્ત કરી છે. ધવલ ધોળકિયા હાલ પીએચડીની પદવી માટે અભ્યાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં તે પણ પૂર્ણ થતાં તેઓ ડોક્ટર પણ બની જશે. હાલ તે પૂર્ણ સમયના અધિવકતા તરીકે કોર્ટમાં કામ કરી રહ્યા છે.
![ચૂંટણી પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-jnd-01-election-vis-01-byte-01-pkg-7200745_12022025073954_1202f_1739326194_488.jpg)
શિક્ષિત યુવાનો આગળ આવે તેવો પ્રયાસ
અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ધવલ ધોળકિયા સક્રિય રાજકારણમાં અને ચૂંટણી જેવા રાજકીય જંગમાં શિક્ષિત અને યુવાનો પોતાની ઉમેદવારી અને દાવેદારી કરતા થાય તે માટે પણ તેઓ ચૂંટણી જંગમાં જોવા મળે છે. શિક્ષિત અને યુવાનો જ્યાં સુધી રાજકારણથી પોતાની જાતને દૂર રાખશે ત્યાં સુધી રાજકારણની સ્વચ્છતા અને તેમાં પરિવર્તનની આશા ખૂબ ઓછી જોવા મળે છે. જો ભણેલા અને શિક્ષિત ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરતા જોવા મળશે તો રાજકારણની શુદ્ધિ થવાની સાથે શિક્ષિત રાજનેતાઓ મળવાની શક્યતા પણ ખૂબ વધી જાય છે અને શિક્ષિત રાજનેતાથી નાના એવા ગામથી લઈને વિશાળ દેશનો વિકાસ અને તેની કાયાપલટ પણ કરી શકાય છે. જેથી શિક્ષિત અને યુવાન લોકો ચૂંટણી જેવા જંગમાં સામેલ થાય તે માટે તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
![ચૂંટણી પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-jnd-01-election-vis-01-byte-01-pkg-7200745_12022025073954_1202f_1739326194_653.jpg)