બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના થરાદમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાનો ગોરખધંધો વધુ એક વખત ઉજાગર થયો છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લામાં ચાલતા સ્પા બંધ કરાવવા માટે અનેકવાર સ્થાનિક લેવલેથી ફરિયાદો પણ થઈ છે.
ડમી ગ્રાહક મોકલી પોલીસે પાડી રેડ: ગુરૂવારના રોજ થરાદ પોલીસને બાતમી મળી હતી કે, થરાદ ચાર રસ્તા પાસે સ્પાની આડમાં દેહ વેપાર ચાલી રહ્યો છે. બાતમીના આધારે થરાદ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એમ ચાવડા તથા પોલીસ સ્ટાફે થરાદ ચાર રસ્તા પાસે આવેલ બોમ્બે માર્કેટમાં બીજા માળે ચેમ્પિયન સ્પામાં રેડ પાડી હતી. પોલીસે સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો.
આંતરરાજ્યની યુવતીઓ પાસે કરાવાતો દેહ વ્યાપાર
પોલીસ રેડ દરમિયાન સ્પામાં દેહ વેપાર માટે આંતરરાજ્યમાંથી ભાડેથી લાવેલી યુવતીઓ મળી આવી હતી. જેમની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ તમામ યુવતીઓને પૈસાની લાલચ આપી બહારથી લાવવામાં આવી હતી. પોતાના આર્થિક ફાયદા માટે આરોપીઓ ગ્રાહકો પાસેથી પૈસા લઈ અને સ્પાની આડમાં આર્થિક લાભ માટે દેહવિક્રિયની પ્રવૃત્તિ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.
![સ્પાના મેનેજર રામારામ ચૌધરી, થરાદના ઠાકરશીભાઈ ભીલની અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-01-2025/23292470_t.jpg)
સ્પાના મેનેજર સહિત 2 ની અટકાયત
હાલ આ મામલે થરાદ પોલીસે રેડ દરમિયાન રાજસ્થાનના બાલોતરાના રહેવાસી અને સ્પાના મેનેજર રામારામ ચૌધરી, થરાદના ઠાકરશીભાઈ ભીલની અટકાયત કરી હતી. જ્યારે રાજસ્થાનના બાલોતરાના રહેવાસી અને સ્પાના માલિક યુવરાજસિંહ ભાટી સ્થળ પર હાજર ન હોવાથી તેમને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.