નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દીકરીને તેનું શિક્ષણ ચાલુ રાખવાનો મૂળભૂત અધિકાર છે. દંપતી વચ્ચેના વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટે ગુરુવારે મહત્વનો નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દીકરીને તેના શિક્ષણ માટેનો ખર્ચ તેના માતા-પિતા પાસેથી વસૂલવાનો પૂરો અધિકાર છે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'માતા-પિતાને તેમના નાણાકીય સંસાધનોની મર્યાદામાં તેમની પુત્રીના શિક્ષણ માટે જરૂરી ભંડોળ પૂરું પાડવા માટે ફરજ પાડી શકાય છે. 26 વર્ષથી અલગ રહેતા દંપતીના કેસમાં જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે કહ્યું હતું કે, તે માને છે કે છેલ્લા 26 વર્ષથી અલગ રહેતા દંપતીની દીકરી કાયદા મુજબ 43 લાખ રૂપિયાની હકદાર છે.
26 વર્ષથી અલગ રહેતા કપલના કેસમાં સુનાવણી
ખંડપીઠે, 2 જાન્યુઆરીએ પસાર કરેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે, દીકરી હોવાને કારણે, તેને તેના માતાપિતા પાસેથી તેના શિક્ષણનો ખર્ચ મેળવવાનો અવિભાજ્ય, કાયદેસર રીતે લાગુ કરી શકવા યોગ્ય, માન્ય અને કાયદેસરનો અધિકાર છે. બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, "અમે માત્ર એટલું જ માનીએ છીએ કે દીકરીને તેના શિક્ષણને આગળ વધારવાનો મૂળભૂત અધિકાર છે જેના માટે માતાપિતાને તેમના નાણાકીય સંસાધનોની મર્યાદામાં જરૂરી ભંડોળ પૂરું પાડવા માટે ફરજ પાડી શકાય છે."
પુત્રી આયર્લેન્ડમાં અભ્યાસ કરે છે
ખંડપીઠે કહ્યું કે, પક્ષકારોની પુત્રી હાલમાં આયર્લેન્ડમાં અભ્યાસ કરી રહી છે અને તેની ગરિમા જાળવવા માટે તેણે તેના શિક્ષણ પાછળ તેના પિતા દ્વારા ખર્ચવામાં આવેલી 43 લાખ રૂપિયાની રકમ રાખવાનો ઇનકાર કર્યો છે. બેન્ચે વધુમાં કહ્યું કે, એવું લાગે છે કે પુત્રીએ તેના પિતાને રકમ પરત કરવાનો આગ્રહ કર્યો હતો, જોકે પિતાએ રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું, દીકરીને આ રકમ પોતાની પાસે રાખવાનો અધિકાર છે
ખંડપીઠે કહ્યું કે, પિતાએ કોઈપણ નક્કર કારણ વગર પૈસા આપ્યા જે દર્શાવે છે કે તેઓ તેમની પુત્રીના શિક્ષણ માટે આર્થિક મદદ કરવા માટે આર્થિક રીતે સક્ષમ છે. કોર્ટે એમ પણ કહ્યું કે, દીકરીને આ રકમ પોતાની પાસે રાખવાનો અધિકાર છે. તેથી, તેણે તેની માતા અથવા પિતાને પૈસા પરત કરવાની જરૂર નથી. તે તેની ઈચ્છા મુજબ યોગ્ય રીતે ખર્ચ કરી શકે છે.
સર્વોચ્ચ અદાલતે આ અવલોકનો એક લગ્નના વિવાદમાં કર્યા હતા, જેમાં અલગ થયેલા પતિ-પત્નીની દીકરીએ તેના અભ્યાસ માટે તેના માતાને ચૂકવવામાં આવતા કુલ ભરણપોષણના ભાગ રૂપે તેના પિતા દ્વારા આપવામાં આવેલા 43 લાખ રૂપિયા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે ગયા વર્ષે નવેમ્બરમાં વિખૂટા પડી ગયેલા દંપતી દ્વારા કરાયેલા કરારનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં પુત્રીએ પણ હસ્તાક્ષર કર્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પતિ તેની પત્ની અને પુત્રીને કુલ 73 લાખ રૂપિયા આપવા માટે સંમત થયા છે. તેમાંથી 43 લાખ રૂપિયા તેમની પુત્રીના શિક્ષણ માટે હતા. જ્યારે બાકીની રકમ પત્નીની હતી. કોર્ટે કહ્યું કે, પત્નીને તેનો હિસ્સો 30 લાખ રૂપિયા મળી ગયો છે. પતિ-પત્ની છેલ્લા 26 વર્ષથી અલગ રહે છે. તેથી, બેન્ચ પરસ્પર સંમતિથી છૂટાછેડાનો આદેશ ન આપવા માટે કોઈ કારણ જોતી નથી.
સુપ્રીમ કોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડાનો આદેશ
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, 'અમે બંધારણની કલમ 142 હેઠળ પરસ્પર સંમતિથી છૂટાછેડાનો આદેશ આપીને લગ્નને તોડી નાખીએ છીએ.' ઉપરાંત, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હવે બંને (દંપતી)એ એકબીજા સામે કોઈપણ કોર્ટ કેસ કરવો જોઈએ નહીં અને જો કોઈ ફોરમ સમક્ષ કોઈ કેસ પેન્ડિંગ હોય, તો તે કરાર મુજબ સમાધાન કરવામાં આવે. આ ઓર્ડરના ભાગરૂપે, બંને ભવિષ્યમાં એકબીજા સામે કોઈ દાવા નહીં કરે અને કરારના નિયમો અને શરતોનું પાલન કરશે.
આ પણ વાંચો: