બેંગલુરુ: ગેસ્ટ્રિક કેન્સરથી પીડિત 72 વર્ષીય બેંગલુરુના રહેવાસીએ 25 ડિસેમ્બરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી કારણ કે હોસ્પિટલે તેમને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની ના પાડી હતી. પીડિત રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારી હતા અને કેન્સરના નિદાનના 15 દિવસ પછી મૃત્યુ પામ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવારના એક સભ્યએ જણાવ્યું કે દર્દીને ત્યારે વધુ ઝટકો લાગ્યો, જ્યારે તેને ખબર પડી કે હોસ્પિટલે તેમને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિનિયર સિટીઝન્સ સ્કીમ અંતર્ગત 5 લાખ રૂપિયાનું કવર આપવાથી મનાઈ કરી દીધી હતી, જેના માટે તેમણે નોંધણી કરાવી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પરિવારના એક સભ્યને ટાંકીને જણાવ્યું હતું કે, "અમે AB PM-JAY સિનિયર સિટીઝન કાર્ડ બનાવ્યું હોવા છતાં, જેના હેઠળ તેને 5 લાખ રૂપિયાનું વાર્ષિક કવર આપવામાં આવ્યું હતું, કિડવાઈ મેમોરિયલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ઓન્કોલોજી (KMIO) એ લાભ આપવાથી ઇનકાર કર્યો અને કહ્યું કે, રાજ્ય સરકારના આદેશો હજુ આવ્યા નથી, જો કે અમને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.
KMIOના ડાયરેક્ટર ઈન્ચાર્જ ડૉ. રવિ અર્જુનનને મીડિયાને જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન સ્કીમ હજુ અમલમાં મુકવાની બાકી છે, અને તેના પરના આદેશોની પણ રાહ જોવાઈ રહી છે. કર્ણાટક સરકારે પુષ્ટિ કરી છે કે તેણે હજુ સુધી આ યોજના લાગુ કરી નથી અને તેના ભંડોળના પાસાઓ પર સ્પષ્ટતા માંગી છે.
આપને જણાવી દઈએ કે આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે 5 લાખ રૂપિયાનું મફત વીમા કવરેજ આપવામાં આવે છે. પરિવારના સદસ્યએ જણાવ્યું હતું કે, માત્ર પ્રારંભિક સ્કેન પર 20,000 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને સારવાર માટે વધુ કીમો સેશનની જરૂર હતી.
પરિવારના સભ્યએ પ્રકાશનને કહ્યું, "અમે કિડવાઈમાં જ બે વાર કીમોથેરેપી શરૂ કરવાની યોજના બનાવી હતી. અમે ચૂકવણી કરવા તૈયાર હતા, પરંતુ તેમણે (પીડિત) આત્મહત્યા કરી. હું એવું નથી કહેતો કે તે સીધી રીતે લાભની અનુપલબ્ધતાને કારણે હતું. પરંતુ તેઓ જાણતા હતા કે તેઓને તે મળી રહ્યું નથી અને તેઓ પહેલેથી જ તણાવમાં હતા."
(નોંધ: આત્મહત્યા એ કોઈ ઉકેલ નથી. જો આપના મનમાં આપઘાતના વિચારો આવી રહ્યાં છે, અથવા તમે કોઈ મિત્ર વિશે ચિંતિત છો, અથવા તમને ભાવનાત્મક મદદની જરૂર છે, તો કોઈને કોઈ હંમેશા આપની વાત સાંભળવા માટે તત્પર છે. સ્નેહા ફાઉન્ડેશન - 04424640050 (24x7 ઉપલબ્ધ ) અથવા iCall ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ હેલ્પલાઇન નંબર 9152987821 પર કોલ કોર, જે સોમવારથી શનિવાર સુધી સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.)