નવી દિલ્હી :વિદેશમાંથી કાયદાની ડિગ્રી લેનારાઓને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની (BCI) પરીક્ષા પાસ કર્યા પછી જ ભારતમાં પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ મળશે. આ અંગે દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ આપતા કહ્યું, ભારતમાં કાયદાની પ્રેક્ટિસ કરવા માટે BCI પરીક્ષામાં લાયકાત મેળવવી જરૂરી છે.
ભારતમાં કાયદાની પ્રેક્ટિસ માટે BCI પરીક્ષા :આ અંગે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, વિદેશી દેશોમાંથી કાયદાની ડિગ્રી મેળવનાર ભારતીયોએ BCI ની પરીક્ષામાં ક્વોલિફાય થવું પડશે, પછી ભલે તેમણે કોઈપણ માન્ય કાયદા સંસ્થામાંથી બ્રિજ કોર્સ કર્યો હોય. જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠે કહ્યું કે, ભારતમાં કાયદાની પ્રેક્ટિસ કરવા માટે BCI પરીક્ષામાં લાયકાત મેળવવી એ વૈધાનિક રીતે જરૂરી છે.
મહેક ઓબેરોયની અરજી :દિલ્હી હાઈકોર્ટ મહેક ઓબેરોયની અરજી પર સુનાવણી કરી રહી હતી. મહેક ઓબેરોયે બ્રિટનની બકિંગહામ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. તે પછી BCI ની સૂચના પર તેમણે દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીમાંથી બે વર્ષનો બ્રિજ કોર્સ કર્યો. બ્રિજ કોર્સ પૂર્ણ કર્યા પછી જ્યારે તેણે વકીલ તરીકે નોંધણી માટે અરજી કરી ત્યારે તેમને BCI ની ક્વોલિફાઇંગ પરીક્ષા પાસ કરવાનું કહેવામાં આવ્યું.
અરજીકર્તાની અપીલ શું ?અરજીમાં કહેવામાં આવ્યું કે, ભારતમાં બ્રિજ કોર્સ કર્યા બાદ તે ભારતીય કાયદા મુજબ શૈક્ષણિક રીતે સમકક્ષ બની ગઈ હતી. પરંતુ તેમ છતાં તેને બીજી પરીક્ષા પાસ કરવાનું કહેવામાં આવ્યું. બીજી પરીક્ષામાં ક્વોલીફાય કરવા કહેવુ એ ભેદભાવપૂર્ણ છે અને આ નાણાકીય બોજમાં વધારો કરતો ઓર્ડર છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય યુનિવર્સિટીઓમાંથી ભણેલા વિદ્યાર્થીઓએ વકીલ તરીકે નોંધણી કરાવવા માટે આ પરીક્ષા આપવાની જરૂર નથી.
દિલ્હી હાઈકોર્ટનો આદેશ :દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, BCI ના નિયમ અનુસાર આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. BCI ના નિયમ 37 મુજબ, આ પરીક્ષા પાસ કરવી એ વૈધાનિક આવશ્યકતા છે. અરજીને ફગાવીને હાઈકોર્ટે કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ના નિયમોને બહાલી આપવાનો આદેશ આપ્યો છે.
- 'દેશમાં વિવાદો માથું ઊંચકશે' જ્ઞાનવાપી મસ્જિદ મામલે SCના હસ્તક્ષેપની માંગ
- ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપસિંહને બે અઠવાડિયા માટે વચગાળાના જામીન