તિરંગામાં લપેટાયેલા શહીદને અંતિમ વિદાય, હજારો આંખો ભિંજાઈ - શહીદ જવાન
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ બુધવારે સવારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. ગોરવા સ્થિત ઘરે હાલ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં વીર શહીદ જવાનની પત્ની અંજના સાધુએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી. તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી પંચવટી, સહયોગ, આઇટીઆઇ ગોરવા થઇને ગોરવા સ્મશાન ગૃહ ખાતે પહોંચશે. જ્યાં શહીદ જવાનની અંતિમવિધિ કરવામાં આવશે. આસમના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમિયાન શહીદ થયેલા BSF જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે શહીદીને અનુરૂપ અંતિમવિધિ માટે જિલ્લા, પોલીસ તંત્ર અને બીએસએફે તૈયારીઓ કરી છે. એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવદેહને રાજ્ય સરકાર વતી રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજિલ આપી હતી. તેમજ સાંસદ, મેયર, પાલિકાના વિરોધપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો, કલેક્ટર અને પોલીસ કમિશ્નરે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભારે સન્માન સાથે શહીદના પાર્થિવદેહને ફૂલોથી સજાવેલા સૈન્યના વાહનમાં સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. અંતિમયાત્રા દરમિયાન ભારત માતા કી જય અને સંજય સાધુ અમર રહોના નારા લાગ્યા, આ સમયે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી શહીદ જવાનને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી. હજારો લોકોએ ભિંજાયેલી આંખોએ શહીદ અમર રહોના નારા લગાવ્યા હતાં.
Last Updated : Aug 21, 2019, 12:50 PM IST