પોરબંદર: જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામવા જઈ રહ્યો છે, આજે શનિવારે ઉમેદવારીપત્ર રજૂ કરવાના અંતિમ દિવસે સ્થાનિક ધારાસભ્ય કાંધલ જાડેજાના નેતૃત્વમાં અને તેમના કરેલા કામોને ધ્યાન રાખીને નગરપાલિકાના ચૂંટણી જંગમાં ઉતારવાનું નક્કી થયું, જે વર્ષોથી ભાજપ શાસીત કુતિયાણા નગરપાલિકા આગામી 16 મી તારીખે રોચક જંગ જામશે તેવા અણસાર દર્શાવે છે.
કુતિયાણા પાલિકામાં જામશે રોચક જંગ
પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકામાં રોચક જંગ જામશે તેવા અણસારો મળી રહ્યા છે. કુતિયાણા પાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન જોવા મળે છે, ત્યારે આ વખતે પ્રથમ વખત સ્થાનિક ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા તેમના કરેલા કામોને ધ્યાને રાખીને પ્રથમ વખત કુતિયાણા નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી જંગમાં સમાજવાદી પાર્ટીના બેનર નીચે ઉતર્યા છે, જેના કારણે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત ખૂબ જ રોચક બનવા જઈ રહી છે. કાંધલ જાડેજા છેલ્લાં ત્રણ ટર્મથી કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે, પરંતુ સ્થાનિક સ્વરાજના સીધા ચૂંટણી જંગ થી તેઓ દૂર હતા પરંતુ આ વખતે તમામ બેઠકો પર ચૂંટણી લડીને કુતિયાણા પાલિકા જીતવાની રણનીતિ બનાવવામાં આવી છે
2022માં ઢેલીબેન અને કાંધલ જાડેજા વચ્ચે થયો હતો ચૂંટણી જંગ
વર્ષ 2022માં થયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ તરફથી વર્તમાન નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતા, તેમની સામે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે કાંધલ જાડેજાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં કાંધલ જાડેજાનો ભવ્ય વિજય થયો હતો. કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા પરિવારમાં ફોઈ-ભત્રીજાના સંબંધો ધરાવે છે, પરંતુ સક્રિય રાજકારણમાં રાજકીય વિકલ્પ માટે પ્રથમ વખત સમાજવાદી પાર્ટી કાંધલ જાડેજાના નેતૃત્વમાં કુતિયાણા નગરપાલિકાની તમામ 24 બેઠક પર ચૂંટણી લડી રહી છે
કાંધલ જાડેજા કુતિયાણા વિધાનસભાના લોકપ્રિય યુવાન નેતા
કાંધલ જાડેજા છેલ્લી ત્રણ ટર્મથી કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે, તેમની આ વિસ્તારની લોકપ્રિયતા અને તેમના દ્વારા કરેલા કામો થકી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાંધલ જાડેજા દ્વારા તેમના વિધાનસભા મતવિસ્તારના ખેડૂતો માટે ઉનાળાના સમયમાં અને જ્યારે પાણીની ખૂબ ખેંચ આવે છે, તેવા સમયે સ્વયંમ તેમના સ્વખર્ચે તમામ ખેડૂતોને પિયતનું પાણી પણ તેઓ છેલ્લાં 15 વર્ષથી પૂરું પાડે છે. આ સિવાય કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં અન્ય કામોને લઈને પણ તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. જેથી પ્રથમ વખત કાંધલ જાડેજા સ્વયંમ તેમના નેતૃત્વમાં કુતિયાણા નગરપાલિકાની તમામ 24 બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે, જેને લઈને કુતિયાણા નગરપાલિકાનો જંગ ખૂબ જ રોચક બનવા જઈ રહ્યો છે
કાંધલ જાડેજાએ ઈટીવી ભારત સાથે કરી એક્સક્લુઝિવ વાતચીત
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ ટેલીફોનિક વાતચીત કરી હતી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવવાને લઈને તેમનો પક્ષ રજૂ કર્યો હતો. તેઓ છેલ્લાં ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે, આ વિસ્તારમાં તેમના દ્વારા કરવામાં આવેલા કામો અને તેમનું નામ પ્રત્યેક મતદારોના હૈયે અને હોઠે વસેલું છે. જેથી તેમના નેતૃત્વમાં પ્રથમ વખત કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કાંધલ જાડેજા તેમના દ્વારા કરેલા કામો અને તેમની લોકપ્રિયતાને ધ્યાને રાખીને લોકો પાસે કુતિયાણા નગરપાલિકાનું શાસન તેમને મળે તે માટે વિનંતી પણ કરશે.