તાંત્રિક વિધિની આશંકાએ બે સાધુની હત્યા કરનાર સાધુને આજીવન કેદની સજા
🎬 Watch Now: Feature Video
ખેડાઃ યાત્રાધામ ડાકોરમાં તાંત્રિક વિધિની આશંકાએ બે સાધુઓ પર જીવલેણ હુમલો કરી બન્નેની હત્યા નિપજાવવામાં આવી હતી. જે મામલામાં નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી સાધુને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. ડાકોર કાઠીયા ખાખચોક ખાતે આવેલા મંદિરે સાધુ સંતોને આશ્રય આપવામાં આવે છે. જ્યાં આશ્રય મેળવનાર સંતો ગત તારીખ 9 મે 2019ના રોજ બપોરે આરામ કરી રહ્યા હતા, ત્યારે તાંત્રિક વિધિની શંકાના આધારે આ આરોપી સાધુ કાશીદાસે આરામ કરી રહેલા ગુરુ (65 વર્ષીય) રામભુષણ મહાત્યાગી તેમજ તેમના શિષ્ય (60 વર્ષીય) દત્તગિરિ નારણદાસ સાધુના માથા પર ટાઇલ્સનો ટુકડો તેમજ લાકડાના દસ્તાથી જીવલેણ હુમલો કરી દેતા રામભુષણ મહાત્યાગીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે દત્તગિરિ નારણદાસ સાધુને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમ્યાન વડોદરા ખાતે મોત નીપજ્યું હતું. મૃતક બંને સાધુઓ ગુરુ તેમજ તેમના શિષ્ય હતા. જે બંને ગુરુ શિષ્ય મળી તાંત્રિક વિધિ કરી બિલાડી બનાવી દેતા હતા તેવી શંકા થતા તેમના પર જીવલેણ હુમલો કરી બંનેનું મોત નિપજાવ્યું હતું. જે બાબતે ડાકોર પોલીસ દ્વારા આરોપી સાધુને ઝડપી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે નડિયાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા કોર્ટ દ્વારા બે હત્યાના આરોપી સાધુ કાશીદાસ નારાયણદાસજી મહારાજને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.