73માં સ્વતંત્રતા પર્વની દમણ, સેલવાસ અને વાપીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી - સેલવાસ
🎬 Watch Now: Feature Video
દમણ/વાપી: 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિતે દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો સેલવાસમાં કલેકટરે અને વાપીમાં નગરપાલિકા પ્રમુખે પણ તિરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની શહેરીજનોને શુભકામના આપી હતી.પ્રશાસક પ્રફુલ પટેલે આ પ્રસંગે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ધારા 370 અને 35A કલમ નાબૂદ થયા બાદ આ વખતનું સ્વાતંત્ર્ય પર્વ ખરી આઝાદીનું પર્વ બન્યું છે.સરકારની વિકાસગાથા વર્ણવતા પ્રશાસકે જણાવ્યું હતું કે, દમણ આગામી દિવસોમાં દેશને દિશા આપવાનું કામ કરશે. દમણમાં મોટાપાયે પ્રજાની સુખાકારી માટેના વિકાસના કામો હાથ ધર્યા છે. દિવમાં ઘર-ઘર ટ્રીટેડ વોટર આપવાની પહેલ આ સરકારે કરી છે. દાદરા નગર હવેલીમાં જંગલથી ઘેરાયેલા વિસ્તાર છે. ત્યાં પણ જળ સંચય અભિયાનને વેગવતું બનાવવામાં આવી રહ્યું છે. તો એજ રીતે દાદરા નગર હવેલીમાં કલેકટર સંદીપ કુમારે ધ્વજ વંદન કરી દાદરા નગર હવેલીની જનતાને 73માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના આપી સેલવાસમાં થયેલા વિકાસની અને થનાર વિકાસની રૂપરેખા પોતાના પ્રજાજોગ સંદેશમાં રજુ કરી હતી.સેલવાસમાં રિવર ફ્રન્ટ પર કેટલાક નાગરિકોએ ખાસ ઉપસ્થિત રહી દેશભક્તિ ગીતોના તળે ગરબે રમ્યા હતાં.વાપીમાં વાપી નગર પાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ દ્વારા વાપીના ઝંડાચોક ખાતે અને ત્યારબાદ વાપી નગરપાલિકા ખાતે ઉપપ્રમુખના હસ્તે તિરંગાને સલામી આપી હતી. વાપી પાલિકા પ્રમુખે આ આઝાદી પર્વ નિમિત્તે તમામને શુભકામના આપી આગામી દિવસોમાં જનતાને પાણી, રોડ, ગટરની પાયાની જરૂરિયાતની વધુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. પર્યાવરણ જતન, જળસંચય અભિયાન અંગે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.