Ram Lalla Akshat Yatra: પાટણ રામલલ્લાનાં રંગે રંગાયું, ઠેર-ઠેર અક્ષત યાત્રાઓ નીકળી
🎬 Watch Now: Feature Video
પાટણ: ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામા ઘણા વર્ષો પછી ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. આગામી જાન્યુઆરી મહિનામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળી રહ્યો છે. વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા અને વિવિધ સમાજના લોકો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રામ જન્મ ભૂમિ તીર્થ સ્થળ ખાતેથી સમગ્ર દેશમાં અક્ષત કળશ મોકલવામાં આવ્યા છે. જે અનુસંધાને પાટણ શહેરમાં રામ જન્મ તીર્થ સ્થળેથી આવેલ અક્ષત યાત્રાનું વિધિવત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શહેરના વિવિધ 15 વસ્તી વિસ્તારોમાં આ અક્ષત યાત્રા વાંજતે ગાજતે જય શ્રી રામના નારા સાથે રાજમાર્ગો પર ફરી હતી. પાટણ શહેરના વોર્ડ નંબર એકમાં મહાકાલી વસ્તી વિસ્તારમાંથી ભઠ્ઠીના માઢ ખાતેથી અક્ષત કળશ યાત્રા નીકળી હતી. જે રતનપોળ, સાલી વાડા ચોક, ફાટીપાળ દરવાજા, જબરેશ્વરી ચોક, થઈ નગરદેવી કાલિકા માતા મંદિરે પહોંચી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર એકના દરેક સમાજના લોકો જોડાયા હતા. રામ ભક્તોએ હાથમાં કેસરી ધજાઓ લઈ જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા તો 100 થી વધુ બાલિકાઓ મસ્તક ઉપર કળશ ધારણ કરી શોભા યાત્રામાં જોડાઈ હતી. ભક્તોએ ઠેર-ઠેર અક્ષત કળશ યાત્રાનું સ્વાગત કરી પૂજા અર્ચના કરી હતી.