જૂનાગઢ: છેલ્લા પાંચ દિવસથી સોમનાથના તાલાલા અને ગીર ગઢડા તાલુકાને દીપડાએ જાણે કે બાનમાં લીધા હોય તેવા ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઈ કાલ રાત સુધીમાં તાલાળા અને ગીર ગઢડા તાલુકાના વિઠ્ઠલપુર, રાયડી, ફરેડા અને કોદિયા ગામમાં દીપડાએ હુમલો કરતા બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. દીપડાની સતત દહેશત વચ્ચે ગીર વિસ્તારનો તાલાલા અને ગીર ગઢડા પંથક આજે ખૂબ ખોફ અને ભયમાં જીવી રહ્યા છે.
ગીર પંથકમાં હિંસક બનેલા દીપડાઓએ મચાવ્યો હાહાકાર: સોમનાથ જિલ્લાનો ગીર પંથકના લોકો છેલ્લા એક અઠવાડિયાથી દીપડાની દહેશત અને ભયની વચ્ચે સતત જીવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસો દરમિયાન ગીર વિસ્તારના તાલાલા અને ગીર ગઢડા તાલુકાના વિઠ્ઠલપુર રાયડી, ફરેડા, અને કોદિયા ગામમાં ઘાત લગાવીને દીપડાએ કરેલા હુમલામાં બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે ચાર વ્યક્તિ દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત બન્યા છે.
દીપડાની દહેશત વચ્ચે જીવી રહેલા ગામ લોકો હવે દીપડાના ભયથી થરથર કાંપી રહ્યા છે. અચાનક એક જ અઠવાડિયા દરમિયાન દરરોજ દીપડાના હુમલાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. તેમ છતાં હજુ પણ દીપડો ક્યારે હુમલો કરે તેની ચિંતા વચ્ચે ગીરનું જનજીવન ભયગ્રસ્ત બનીને ધબકી રહ્યુ છે.
દીપડાની દહેશત વચ્ચે લોકોનું જીવન દુષ્કર: તાલાલા તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં દીપડાએ બે લોકો પર હુમલો કર્યો હતો. તો બીજી તરફ તાલાળા તાલુકાના જ રાયડી ગામમાં એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કરીને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો. ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામમાં શિકારની શોધમાં આવેલા દીપડાએ વૃદ્ધ મહિલાનો શિકાર કરીને ગામમાં ભય ફેલાવી દીધો હતો.
તો બીજી તરફ ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામમાં દીપડાએ બે વ્યક્તિને શિકાર બનાવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હતું. સતત દીપડાના દહેશત વચ્ચે ગામ લોકો હવે થરથર કાપી રહ્યા છે અને દીપડાને પાંજરે પુરવાની ઉગ્ર માંગ પણ વન વિભાગ સમક્ષ કરી રહ્યા છે.
90 દિવસમાં કોદિયા ગામમાં બે વ્યક્તિનો શિકાર: વિઠ્ઠલપુર, રાયડી, કોદિયા અને ફરેડા ગામના લોકો સતત વધી રહેલા દીપડાના હુમલા પાછળ વન વિભાગની નિષ્ક્રિયતાને સૌથી મહત્વના કારણ તરીકે જણાવી રહ્યા છે. દીપડાની હાજરી અને વસ્તી સતત વધી રહી છે તેની વચ્ચે વન વિભાગનું પેટ્રોલિંગ ખૂબ જ નબળું છે. જેથી દિપડાઓ જંગલ વિસ્તાર છોડીને ખેતર અને ગામમાં પ્રવેશ કરે છે.
કોદીયા ગામમાં છેલ્લા 90 દિવસ દરમિયાન દીપડાએ બે વ્યક્તિનો શિકાર કરીને બંને વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા છે. જેને કારણે પણ આ વિસ્તારના ગામ લોકો અને ખેડૂતોની સાથે ખેત મજૂરોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વન વિભાગ દીપડાના હુમલા બાદ જે-તે વિસ્તારમાં પાંજરા મૂકીને દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી કરી રહી છે.
ઠંડી વધતા ખોરાકમાં વધારો એક કારણ એ પણ: શિયાળાની ઠંડી વધતા જ કોઈ પણ પ્રાણીનો ખોરાક વધી જતો હોય છે જેને કારણે પણ દીપડાના હુમલા હોઈ શકે છે. ભૂખ વધવાને કારણે સતત ખોરાકની શોધમાં રખડી રહેલા દીપડાઓ ભોજન ન મળતા આસપાસના માનવ વસાહત વિસ્તારમાં જઈને ખોરાક મેળવવા માટે માનવ પર હુમલા કરી શકે છે. શિયાળા દરમિયાન આ પ્રકારના હુમલાની સંખ્યા અચાનક વધતી હોય છે. તો બીજું એક કારણ એ પણ છે કે, માંસાહાર કરતા લોકો તેનો કચરો ખુલ્લામાં ફેંકે છે જેની ગંધથી આકર્ષિત થઈને દીપડો શિકારની શોધમાં આવે છે. ત્યારે તેને ખોરાક ન મળતા તે કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી બેસે છે, એવી પણ એક શક્યતા હોઈ શકે છે.
આ પણ વાંચો: